ઊંઝા : વિકાસના દાવાઓની ખુલ્લી પોલ ! ભાજપની પ્રતિષ્ઠાને કલંક લગાડતા તાલુકા પંચાયતના શાસકો !

ઊંઝા : વિકાસના દાવાઓની ખુલ્લી પોલ ! ભાજપની પ્રતિષ્ઠાને કલંક લગાડતા તાલુકા પંચાયતના શાસકો !

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (દિખા સો લિખા & સુના સો ચુના ) : ઊંઝા તાલુકાના ઊંઝા–કામલી રોડની બિસ્માર હાલતને લઈને સ્થાનિક વાહનચાલકો અને પ્રજાજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લાંબા સમયથી આ માર્ગ ઉપર ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોવા છતાં જવાબદાર તંત્ર અને સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું ન હોય તેમ જણાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઊંઝા–કામલી રોડને લઈને અગાઉથી જ અનેક વખત રજૂઆતો અને માંગણીઓ કરવામાં આવી છે. રોડની કામગીરી માટે મંજૂરી મળી હોવાની વાત સામે આવી હોવા છતાં આજદિન સુધી માર્ગ બનાવવાની કામગીરી શરૂ ન થતાં લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. જો રોડ મંજૂર થઈ ગયો છે તો પછી તેનું કામ શરૂ કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે? મંજૂરી બાદ પણ કામગીરી અટકી રહેવા પાછળનું કારણ શું છે? તેવા સવાલો હવે જનતા પૂછી રહી છે.

રસ્તા ઉપર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ માર્ગ ઉપરથી પસાર થવું જોખમી બન્યું છે. વારંવાર ખાડાઓમાં વાહનો પટકાવાથી અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. રોડની કાયમી મરામત કરવાને બદલે વારંવાર થીગડાં મારીને સંતોષ માનવામાં આવતો હોવાના કારણે પણ કામગીરીની ગુણવત્તા અને જવાબદારી અંગે અનેક શંકાઓ ઊભી થઈ રહી છે.

એક તરફ વિકાસના મોટા દાવાઓ કરવામાં આવે છે, તો બીજી તરફ ઊંઝા–કામલી જેવા મહત્વના માર્ગની આવી દયનીય સ્થિતિ શાસકોની કામગીરી સામે સવાલો ઊભા કરે છે. વિકાસના નામે ભાજપને મત આપનારા મતદારોને હવે એવું લાગી રહ્યું છે કે તેમના મત જાણે એળે ગયા હોય! ઊંઝા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જવાબદાર પદાધિકારીઓ આખરે ક્યારે જાગશે? પ્રજાની મુશ્કેલીઓ પ્રત્યે આટલી ઉદાસીનતા શા માટે? શું માર્ગ ઉપર મોટા ખાડાઓ અને વાહનચાલકોની પરેશાની નજરે પડતી નથી કે પછી જવાબદાર તંત્ર કુંભકર્ણ નિદ્રામાંથી જાગવા તૈયાર નથી?

હવે જનતાની સ્પષ્ટ માંગ છે કે ઊંઝા–કામલી રોડની મંજૂર થયેલી કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે, રોડની ગુણવત્તા જળવાય તેની તકેદારી રાખવામાં આવે અને માત્ર આશ્વાસનો આપવાને બદલે જમીન ઉપર વિકાસનાં કામો કરીને બતાવે તેવી પ્રજાની અપેક્ષા છે.