ઊંઝા APMC નું આરોગ્યલક્ષી પગલું : ફિઝીયોથેરાપી સેન્ટર કાર્યરત કર્યું : સસ્તા દરની દવાઓ માટે ટૂંક સમયમાં મળી શકે છે ગુડ ન્યુઝ
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : સમગ્ર ઊંઝા તાલુકા અને શહેરની જનતાને સ્વાથ્ય સુખાકારી માટે ઊંઝા APMC દ્વારા રાહત દરે નવીન ફિજીઓથેરાપી સેન્ટરને આજે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
ઊંઝા વિસ્તારની જનતા માટે શરૂ કરાયેલા આ ફિઝિયોથેરાપી સેન્ટરમાં સ્થાનિક લોકોને શારીરિક સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓમાં ખૂબ જ નજીવા દરે ઈલાજ થશે. અત્રે નોંધનીય છે કે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય સ્વ. ડો. આશાબેન પટેલ નું છેલ્લા ઘણા સમયથી ઊંઝામાં ફિઝિયોથેરાપી સેન્ટર કાર્યરત કરવાનું એક સ્વપ્ન હતું. આ સ્વપ્ન એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં પૂર્ણ થયું છે. જોકે આ ફિઝિયોથેરાપી સેન્ટરમાં તમામ સાધનો અને ડોક્ટર સહિત નો ખર્ચ એપીએમસી ઉપાડી લેવા મક્કમ છે. એપીએમસી દ્વારા શરૂ કરાયેલ આ ફિઝિયોથેરાપી સેન્ટર આ વિસ્તારની જનતા માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થશે.
આ અંગે એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઊંઝા એપીએમસી આ વિસ્તારના ખેડૂતો અને આ વિસ્તારની જનતા માટે સ્વાસ્થ્ય સંબંધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મક્કમ છે. જોકે હાલમાં દવાઓ ખૂબ મોંઘી થઈ છે ત્યારે આ વિસ્તારની જનતા અને ખેડૂતોને દવાઓની માત્રામાં પણ રાહત મળે તે હેતુથી ઊંઝા એપીએમસી દ્વારા રાહત દરનું મેડિકલ સ્ટોર પણ કાર્યરત કરવાનું એક આયોજન છે.