ઇન સાઇડ સ્ટોરી : નગર સેવકે મેયર અને ધારાસભ્યને કેવી રીતે હંફાવ્યા ? શાળા સ્થળ બદલવાના નિર્ણય પર એકાએક કેમ બ્રેક વાગી ?
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : સુરતના કતારગામ ખાતે વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 8 વચ્ચે ચાલતા શાળા વિવાદ પર અંતે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી નં એ બ્રેક મારી દેતા હવે વિવાદનો હાલમાં અંત આવી ગયો છે. ત્યારે સવાલ એ થાય છે કે છેલ્લા કેટલાય સમયથી વોર્ડ નંબર સાતના નગરસેવક નરેન્દ્ર ભાઈ પાંડવ રજૂઆતો કરી રહ્યા હતા છતાં પાલિકા આંખ આડા કાન કરતું રહ્યું અને એકાએક ગઈકાલે જ પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી એ કેમ સ્થળાંતરના નિર્ણય ઉપર બ્રેક મારવાની ફરજ પડી ? શું છે તેની ઇનસાઇડ સ્ટોરી ? જાણો.
ધારાસભ્ય વિનુ મોરડીયા એ સ્થળ ફેર માટે કર્યો હતો ચંચુપાત
કતારગામના ધારાસભ્ય વીનુ મોરડીયા વોર્ડ નંબર સાતમાં જે સુમન સ્કૂલ મંજૂર થઈ હતી તેને વોર્ડ નંબર આઠમાં સ્થળાંતર કરવા માટે રાજકીય દબાણ ઊભું કર્યું હતું અને કોઈપણ વર્ક ઓર્ડર વગર આ શાળાનું બાંધકામ પણ રાજકીય દબાણના જોરે શરૂ કરાવી દીધું હતું.
વોર્ડ નં 7 માં શાળાનું ખાત મૂહુર્ત સી આર પાટીલે કર્યું હતું
અત્રે નોંધનીય છે કે વોર્ડ નંબર સાતના ભાજપના નગરસેવક નરેન્દ્રભાઈ પાંડવ ની ધારદાર રજૂઆત સંદર્ભે વોર્ડ નંબર સાતમાં સુમન હાઈસ્કૂલ મંજૂર કરવામાં આવી હતી જેનું ખાતમુહૂર્ત પૂર્વ ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ એવા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે કર્યું હતું. અને મોદી ની જેમ પાટીલની પણ ખાસિયત રહી છે કે જેનું ખાતમુહૂર્ત કરે એનું ઉદ્ઘાટન પણ તેઓ કરતા હોય છે.
વોર્ડ 7 ના નગર સેવક નરેન્દ્ર પાંડવે સ્થળ ફેર મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવેલ
જોકે વોર્ડ નંબર સાતમાં બનનારી સુમન સ્કૂલ વોર્ડ નંબર આઠમાં બનવાનું શરૂ થતા ની સાથે જ વોર્ડ નંબર સાતના નગરસેવક નરેન્દ્રભાઈ પાંડવે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં નરેન્દ્ર ભાઈ પાંડવે કમિશનર સામે ઉગ્ર આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. અને વર્ક ઓર્ડર વિના શાળા નિર્માણનું કાર્ય કેવી રીતે શરૂ થયું તેની તપાસ કરવા પણ ઉગ્ર માંગ કરી હતી
મેયર ધૃતરાષ્ટ ની ભૂમિકા માં રહ્યા !
શાળા સ્થળના ફેરફાર મુદ્દે જ્યારે વોર્ડ નંબર સાતના નગરસેવક નરેન્દ્રભાઈ પાંડવ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો અને અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જોકે મેયર એ આંખ આડા કાન કર્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલયથી આદેશ હોવાનું રટણ કરીને ગોળ ગોળ જવાબો આપી જવાબદારીમાંથી છૂટવાનો પ્રયાસ કરનાર મેયર ક્યાંક ને ક્યાંક જાણે ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા હોય તેવું લાગતું હતું
ખાતમૂહુર્ત બાદ સ્થળ બદલાતા સી.આર.પાટીલ હતા નારાજ ?
સુરત અને ગુજરાતના રાજકારણમાં સીઆર પાટીલ નો અસરકારક પ્રભાવ રહ્યો છે એ નિર્વિવાદ સત્ય છે ત્યારે તેમણે જ જે શાળાનું ખાતમુહૂર્ત કર્યું હતું એ શાળાનું સ્થળ બદલતા પાટીલ નારાજ હોય એ સ્વાભાવિક છે. જ્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા આ બાબતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર.પાટીલ ને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે માત્ર તેમને થોડાકમાં ઘણું કહીને એવો જવાબ આપ્યો હતો કે, " જોઈએ હવે શું થાય છે " અને બીજા દિવસે સ્ટેન્ડિંગ કમિટીએ સ્થળ ફેરફાર કરીને થઈ રહેલા શાળા નિર્માણ કાર્ય ઉપર બ્રેક લગાવી દીધી હતી.
ધારાસભ્ય મોરડીયા અને મેયર એ પાટીલ ની મહત્વતા ને અવગણવી ભારે પડી !
સી આર પાટીલ જ્યારથી પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી જ નાના કાર્યકર્તાઓને ખૂબ જ મહત્વ આપતા રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 7 ના નગરસેવક નરેન્દ્ર પાંડવ નો શાળા સ્થળ ફેરફાર મુદ્દે જે વિરોધ હતો તે યોગ્ય જ હતો એ વાત કદાચ પાટીલ પણ સારી રીતે સમજતા હશે. પણ મેયર અને ધારાસભ્ય મોરડીયા પોતાની મનમાની જ ચલાવી રહ્યા હતા ત્યારે મીડિયા અને સોશિયલ મીડિયામાં વધી રહેલા વિરોધને લઇ આ વિવાદ પર બ્રેક લગાવવા પાટીલનો પરોક્ષ ઇશારો પણ હોઈ શકે તો નવાઈ નહીં !