Exclusive: વિદ્યાર્થીઓના હિત મુદ્દે ગુજરાત સરકારની બેદરકારીને લઈ PM મોદીને કરાઈ રજૂઆત, જાણો સમગ્ર મામલો

Exclusive: વિદ્યાર્થીઓના હિત મુદ્દે ગુજરાત સરકારની બેદરકારીને લઈ PM મોદીને કરાઈ રજૂઆત, જાણો સમગ્ર મામલો

બોર્ડ પરીક્ષા પહેલા રાત્રે 10 પછી પણ ધ્વનિ પ્રદૂષણને કારણે વિદ્યાર્થીઓને વાંચવામાં મુશ્કેલીઓ

જાગૃત નાગરિક દ્વારા પ્રધાનમંત્રી કાર્યાલય ને ટેલીફોનિક કરાઈ રજૂઆત

ગુજરાતમાં રાત્રે 10 વાગ્યા પછી તમામ પ્રકારના ડીજે સાઉન્ડ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવા અને તેનો કડક અમલ કરવા કરાઈ રજૂઆત

વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરનાર પ્રધાનમંત્રી તરફથી આ બાબતે કેટલી ગંભીરતા દાખવવામાં આવશે ?

પ્રધાનમંત્રી દ્વારા ગુજરાત સરકારને આ બાબતે ટકોર કરવામાં આવશે કે કેમ ?

ગુજરાત સરકાર ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ગંભીર બનશે કે પછી આંખ આડા કાન કરીને પ્રધાનમંત્રીએ પરીક્ષા માટે વિદ્યાર્થીઓનું જે રીતે આત્મબળ વધાર્યું છે તેના પર પાણી ફેરવશે ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અનેક વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી માર્ગદર્શન પ્રધાનમંત્રી દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. જેને લઇ વિદ્યાર્થીઓનું આત્મબળ મજબૂત બન્યું છે. અને પરીક્ષાનો જે ડર છે તે મટીને પરીક્ષા એક 'અવસર 'સમી લાગવા લાગી છે.

બીજી બાજુ ગુજરાતમાં આવનાર માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ આવનાર છે. જોકે પરીક્ષાઓને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી વાંચનમાં ખૂબ જ વ્યસ્ત બની ગયા છે.પરંતુ સૌથી મોટી સમસ્યા એ સર્જાઇ રહી છે કે રાત્રે 10 વાગ્યા પછી ગુજરાતમાં અનેક શહેરોમાં ખૂબ જ મોટા અવાજોથી ડીજે સાઉન્ડ વાગતા હોવાના અને મોટા અવાજ વાળા ફટાકડા ફૂટતા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. જેને લઇને લોકોને રાત્રે ઊંઘવામાં તેમજ વિદ્યાર્થીઓને વાંચવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં જે લોકો વયોવૃદ્ધ છે તેમજ બીમાર છે તેમને પણ આ ધ્વનિ પ્રદૂષણને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ આ બાબતે ગુજરાત સરકાર બિલકુલ બેદરકાર હોવાનું જોવા મળ્યું છે.

ત્યારે આ અંગે ગુજરાતના અગ્રણી અને ગુજરાતીઓનો અવાજ ઉઠાવનાર અખબાર 'મોર્નિંગ ન્યુઝ ફોકસ ' દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીને x પર આ અંગે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. એટલું જ નહીં ગુજરાતના એક જાગૃત નાગરિક દ્વારા પણ પ્રધાનમંત્રી કાર્યાલય ને ટેલીફોનિક રજૂઆત કરીને ગુજરાતમાં તાત્કાલિક ધોરણે રાત્રે 10 વાગ્યા પછી થતા ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે હવે જોવું એ રહ્યું કે પરીક્ષા પે ચર્ચા કરીને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપનાર અને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરનાર પ્રધાનમંત્રી તરફથી આ બાબતે કેટલી ગંભીરતા દાખવવામાં આવશે ? પ્રધાનમંત્રી દ્વારા ગુજરાત સરકારને આ બાબતે ટકોર કરવામાં આવશે કે કેમ ? ગુજરાત સરકાર ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ગંભીર બનશે કે પછી આંખ આડા કાન કરીને પ્રધાનમંત્રીએ પરીક્ષા માટે વિદ્યાર્થીઓનું જે રીતે આત્મબળ વધાર્યું છે તેના પર પાણી ફેરવશે ?