Exclusive : ભાજપના નેતાએ બોગસ પ્રમાણપત્રના આધારે નગરપાલિકામાં પ્રમુખનો હોદ્દો મેળવ્યો, નોંધાઇ ફરિયાદ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ભરૂચ પાલિકાના સભાખંડમાં 17 માર્ચે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ભાજપ માંથી બે દાવેદારો હતા. જેમાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ધનજી ગોહિલનું પત્તું કપાયું હતું અને યુવા આગેવાન અમિત ચાવડાને પ્રમુખ પદનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.પાલિકાના સભાખંડમાં યોજાયેલી પાલિકા પ્રમુખની આ ચૂંટણીને દિનેશ ખુમાણ નામના અરજદારે કોર્ટમાં પડકારી હતી. કોર્ટના ચુકાદા અંગે અરજદારના વકીલ અશ્વિન ખંભાતાએ જણાવ્યુ હતું કે, અમિત ચાવડા જાતિના બોગસ દાખલાના આધારે પ્રમુખ બન્યા છે.
અમિત ચાવડા ના પ્રમુખ પદને પડકારનાર દિનેશ ખુમાણ દ્વારા પ્રથમ સી-ડિવિઝન, બાદમાં એ-ડિવિઝન અને જિલ્લા પોલીસ વડાને પણ ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી હતી. જોકે શાસક પક્ષના ઇશારે ફરિયાદ નોંધી ન હોવાના આક્ષેપ અસીલ દ્વારા કરાતા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. કોર્ટે આ મામલામાં પોલીસને તપાસ કરવા આદેશ કર્યો છે અને 30 દિવસમાં તેનો રિપોર્ટ સોંપવાનો રહેશે.
ફરિયાદ મુજબ અમિત ચાવડાએ પ્રમુખ પદ મેળવવા હિન્દુ માહ્યાવંશી હોવાનો જાતિનો ખોટો દાખલો રજૂ કર્યો હતો જો કે તેમના સ્કૂલના દાખલામાં તેઓ હિન્દુ દરજી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. દસ્તાવેજોના આધારે તેઓ માહયાવંશી ન હોય તો તેમને પ્રમુખ પદ અપાયું કેવી રીતે એના પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. કોર્ટના આદેશ બાદ ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકે પ્રમુખ અમિત ચાવડા સામે જાતિનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, નવજીવન અને આર.એસ.દલાલ હાઈસ્કૂલના શાળા છોડયાના પ્રમાણ પત્રમાં અમિત ચાવડાની જાતિ દરજી બતાવી છે. જ્યારે તેઓએ ચૂંટણીમાં તેમના પિતા શિવલાલ દરજી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા હોઇ હિન્દૂ મહયાવંશીનું પ્રમાણપત્ર પ્રમુખ પદ મેળવવા કઢાવ્યું હોવાનો પણ FIRમાં ઉલ્લેખ કરાયો છે. હવે પોલીસ તપાસમાં જ અમિત ચાવડાની જાતિ પ્રમાણપત્રનાે વિવાદ અને તેમના પ્રમુખ પદનો તમામ મદાર રહેલો છે.