ઊંઝા : ઉનાવા ગામે 'સ્વચ્છતા એ સેવા'ના સંકલ્પ સાથે સ્વચ્છતા અભિયાન યોજાયું
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ ) : ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આજે ભૈરવદાદા ચોક તથા ભદ્રકાલી ચોક ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાના હેતુથી યોજાયેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ઊંઝા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કિરીટકુમાર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સ્વચ્છતા અભિયાન દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ગામમાં સ્વચ્છતા જાળવવાનો તેમજ સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ઊંઝા તાલુકા ભાજપના મહામંત્રી શ્રી યોગેશકુમાર પટેલ, ઉનાવા-1ના ડેલીગેટ શ્રી સચિન પટેલ, ઉનાવા APMCના પૂર્વ ચેરમેન શ્રી જયેશભાઈ પટેલ, ઉનાવા ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ભાજપના કાર્યકર્તાઓ, ગામના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્વચ્છતા અભિયાન દરમિયાન જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી હતી તેમજ ગ્રામજનોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર એક દિવસની કામગીરી નહીં પરંતુ દરેક નાગરિકની દૈનિક જવાબદારી છે. ગામના વિકાસ અને આરોગ્યપ્રદ જીવન માટે સ્વચ્છતા અત્યંત જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.આ અભિયાન દ્વારા ગામમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે અને દરેક નાગરિક સ્વચ્છતા જાળવવામાં પોતાનો ફાળો આપે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો."સ્વચ્છતા એ સેવા – સ્વચ્છ ગામ, સ્વસ્થ સમાજ"આ સૂત્રને સાકાર કરવા માટે સૌએ સંયુક્ત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.