પાલનપુર : મીરા દરવાજા-ગણેશપુરા રોડ પરના ખાડાના વાયરલ વિડીયો ને લઇ પાલિકા પ્રમુખે આપ્યા તપાસના આદેશ
મીરા દરવાજા થી ગણેશપુરા તરફ જવાના રોડ પર પડેલા ખાડા નો વિડીયો થયો છે વાયરલ
વાયરલ વિડિયો પાલિકા પ્રમુખ સુનિતાબેન પટેલને મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા મોકલવામાં આવ્યો
રોડ પર પડેલા ખાડાને પુરવા માટે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા પાલિકા પ્રમુખ નું ધ્યાન દોરવામાં આવ્યું
પાલિકા પ્રમુખે ખાડા અંગે આપ્યું મહત્વનું નિવેદન
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ ) : પાલનપુર શહેરના મીરા દરવાજાથી ગણેશપુરા તરફ જતા મુખ્ય માર્ગ પર પડેલા મોટા ખાડાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પર પડેલા ખાડામાં પાણી ભરાઈ જતા વાહનચાલકો માટે ખાડાની ઊંડાઈનો અંદાજ લગાવવો મુશ્કેલ બની રહ્યો છે, જેના કારણે અકસ્માતનો ભય પણ વધી ગયો છે. આ ખાડા નો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.
પાલનપુર : મીરા દરવાજા-ગણેશપુરા રોડ પર જીવલેણ ખાડો, વાહનચાલકો ત્રાહિમામ
ખાડારાજથી પાલનપુરવાસીઓ પરેશાન, પાલિકા પ્રમુખે આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી
મીરા દરવાજા રોડ પર ખાડાનો ખતરો, સુનિતાબેન પટેલે અધિકારીઓને આપ્યા સમારકામના આદેશ
સ્થાનિક લોકો અને રોજિંદા અવરજવર કરતા વાહનચાલકો દ્વારા માર્ગની ખરાબ હાલત અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. શહેરના મહત્વના માર્ગોમાં સામેલ આ રોડ પર સતત વાહનોની અવરજવર રહેતી હોવાથી ખાડાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે.
આ સમગ્ર મામલે મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથે વાતચીત કરતા પાલનપુર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સુનિતાબેન પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે રોડ પર પડેલા ખાડાની જાણ થતાં જ પાલિકાના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક રિપેરિંગ કામગીરી હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે વાહનચાલકોને કોઈ અગવડતા ન પડે તે માટે શક્ય તેટલી વહેલી તકે ખાડાનું સમારકામ કરવામાં આવશે. શહેરજનો હવે પાલિકાની કામગીરી પર નજર રાખી રહ્યા છે અને તાત્કાલિક ખાડાનું સમારકામ થાય તેવી માંગ ઉઠી રહી છે.