ઊંઝા : નગર પાલિકામાં વોર્ડ નં 1 ના રહીશોનું હલ્લાબોલ : રહીશો ત્રાહિમામ ! જવાબદાર કોણ ?
"ઊંઝા વોર્ડ નં. 1માં વિકાસના દાવા પોકળ? ગંદકી-ગટર-પાણીના પ્રશ્ને નાગરિકોમાં ભારે રોષ"
"ચાર કોર્પોરેટરો બિનહરીફ ચૂંટાયા છતાં મૂળભૂત સુવિધાઓનો અભાવ; પાલિકા, પ્રતિનિધિઓ અને તંત્ર સામે ઉઠ્યા સવાલો
પાલિકા પ્રમુખ નો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છતાં મીડિયાના સવાલોથી બચવા પાલિકા પ્રમુખે ન ઉપાડ્યા ફોન
સમય અગાઉ રાત્રી સફાઈ નું નિરીક્ષણ કરતું ફોટો સેશન કરીને પાલિકા પ્રમુખે લૂંટી હતી વાહ વાહી
નગરપાલિકા ઉપપ્રમુખ પણ છે વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર
શું વોર્ડ નંબર 1 ના કોર્પોરેટરો માત્ર બની રહ્યા છે શોભાના ગાંઠીયા સમાન ? ચર્ચાતો સવાલ
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ ) : ઊંઝા નગરપાલિકાના વોર્ડ નં. 1માં ચારેય કોર્પોરેટરો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોવા છતાં વિસ્તારના નાગરિકોને અપેક્ષિત વિકાસ અને સુવિધાઓ મળી રહી નથી એવી ફરિયાદ લઈને આજે વોર્ડ નંબર 1 ના રહીશો પાલિકા કચેરીમાં આવ્યા હતા અને પાલિકાના ચૂંટાયેલી પાંખના સભ્યો ની નિષ્ક્રિયતા મુદ્દે હલ્લાબોલ કર્યું હતું. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જનતાએ વિશ્વાસ મૂકી પ્રતિનિધિઓને બિનહરીફ ચૂંટ્યા, પરંતુ તેના બદલામાં ગંદકી, ગટર, ખરાબ રોડ-રસ્તા અને પાણીની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વોર્ડ નં 1 ના બિન હરીફ કોર્પોરેટરો.....
1. પ્રિતેશ પટેલ,
2. ઉપપ્રમુખ અતુલભાઈ નાયક,
3. સેજલબેન શાહ,
4. દક્ષાબેન પરમાર
સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વિસ્તારોમાં ગટર સંબંધિત પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાયા નથી. રોડ-રસ્તાઓની સ્થિતિ પણ સંતોષકારક નથી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બીજી તરફ પાણી સંબંધિત સમસ્યાઓને લઈને પણ લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

નગરજનોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે આ સમસ્યાઓ માટે જવાબદાર કોણ? સ્થાનિક કોર્પોરેટરો, નગરપાલિકા તંત્ર, ધારાસભ્ય કે પછી ભાજપ સંગઠન? લોકોનું કહેવું છે કે ચૂંટણી સમયે કરાયેલા વિકાસના વાયદાઓ હજુ સુધી જમીન પર દેખાતા નથી.

તાજેતરમાં નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ દ્વારા રાત્રિ સફાઈના નિરીક્ષણના ફોટોગ્રાફ્સ અને પ્રચારાત્મક કાર્યક્રમો ચર્ચામાં રહ્યા છે. જોકે સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે માત્ર ફોટો સેશન અને પ્રતીકાત્મક મુલાકાતોથી પ્રશ્નોનું નિરાકરણ આવવાનું નથી. નાગરિકો માંગ કરી રહ્યા છે કે વાસ્તવિક સમસ્યાઓના કાયમી ઉકેલ માટે અસરકારક પગલાં ભરવામાં આવે.

અરજદારો પણ વિવિધ પ્રશ્નોને લઈને વારંવાર રજૂઆતો કરી રહ્યા હોવા છતાં સમયસર કાર્યવાહી થતી ન હોવાનું આક્ષેપ કરી રહ્યા છે. જેના કારણે લોકોમાં અસંતોષ અને રોષની લાગણી દિવસેને દિવસે વધી રહી છે.
વોર્ડ નં. 1ના નાગરિકોએ માંગ કરી છે કે નગરપાલિકા તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાત્કાલિક વિસ્તારના પ્રશ્નોનું સર્વેક્ષણ કરીને ગંદકી, ગટર, રોડ-રસ્તા અને પાણીની સમસ્યાઓના ઉકેલ માટે સમયબદ્ધ આયોજન જાહેર કરે. અન્યથા આવનારા સમયમાં જનઆંદોલન અને ઉગ્ર વિરોધની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.