ઊંઝા : PM મોદીની સલાહ ની ઐસી કી તૈસી ? નગરપાલિકામાં આવતા અરજદારો પરેશાન !
મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના ) : દેશમાં ડિજિટલ ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન Narendra Modi દ્વારા સતત ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. હાલના સમયમાં ખાસ કરીને યુવા વર્ગ રોકડ વ્યવહાર કરતાં યુપીઆઈ, ક્યૂઆર કોડ અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા ચૂકવણી કરવાનું વધુ પસંદ કરે છે.
પરંતુ ઊંઝા નગરપાલિકામાં વિવિધ કામો માટે આવતા અરજદારોને હજુ પણ ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો સામે આવી રહી છે. નગરપાલિકામાં જન્મ-મરણના દાખલા, વિવિધ પ્રમાણપત્રો તેમજ અન્ય નાના-મોટા કામો માટે ફી ભરવા આવતા અરજદારો જ્યારે ડિજિટલ પેમેન્ટ અંગે પૂછપરછ કરે છે ત્યારે તેમને રોકડ રકમ જ સ્વીકારવામાં આવશે તેવી જાણ કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે.
ડિજિટલ વ્યવહારોના યુગમાં સરકારી કચેરીઓમાં પણ ઓનલાઈન અને કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકામાં ડિજિટલ પેમેન્ટની સુવિધાનો અભાવ અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને યુવાનોને ડિજિટલ પેમેન્ટ અપનાવવા માટે પ્રેરિત કરે છે, જ્યારે બીજી તરફ સ્થાનિક સ્તરે નાગરિકોને રોકડ વ્યવહાર માટે મજબૂર થવું પડે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
નગરજનોમાં એવી પણ માંગ ઉઠી રહી છે કે નગરપાલિકામાં તાત્કાલિક યુપીઆઈ, ક્યૂઆર કોડ અને અન્ય ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવે જેથી અરજદારોને અનાવશ્યક મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને સરકારના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વાસ્તવિક અર્થમાં બળ મળે.
હવે પ્રશ્ન એ છે કે શું ઊંઝા નગરપાલિકા ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને અનુરૂપ જરૂરી સુવિધાઓ વિકસાવશે કે પછી અરજદારોને હજુ પણ રોકડ વ્યવહાર પર જ નિર્ભર રહેવું પડશે? આ મુદ્દે નગરજનોમાં ચર્ચા અને સવાલો બંને ઉઠી રહ્યા છે.