ઊંઝા નગરપાલિકાની લાલિયાવાડીથી અરજદારો ત્રસ્ત, સત્તાધીશો મસ્ત!

ઊંઝા નગરપાલિકાની લાલિયાવાડીથી અરજદારો ત્રસ્ત, સત્તાધીશો મસ્ત!

જન્મ મરણ દાખલાના કામે ધક્કા પર ધક્કા : ઊંઝા નગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલો

ઊંઝા નગરપાલિકામાં અરજદારોની હાલાકી, શાસકોને લોકોની સમસ્યાઓની નથી પરવા?

સર્વર બંધ, ફોર્મ ગાયબ, અરજદારો પરેશાન : ઊંઝા નગરપાલિકાની કામગીરી ચર્ચામાં

અરજદારોના સમય અને નાણાંનો બગાડ : નગરપાલિકાની બેદરકારી સામે રોષ

ધક્કા ખાય અરજદારો, જવાબદારો ગાયબ : ઊંઝા નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્નાર્થ

ઊંઝા નગરપાલિકામાં અરજદારોની કસોટી, સુવિધાના દાવાઓની ખુલી પોલ

નવ નિયુક્ત પાલિકા પ્રમુખનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા પાલિકા પ્રમુખે ફોન ઉપાડવાનું ટાળ્યું !

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) :  : ઊંઝા નગરપાલિકામાં જન્મ મરણ વિભાગ માં  દાખલા મેળવવા તેમજ તેમાં સુધારા કરાવવા માટે આવતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ખાસ કરીને ઊંઝા અને આસપાસના ગામડાઓના લોકો માટે આ સમસ્યા વધુ ગંભીર બની છે.

નોંધનીય છે કે આસપાસના અનેક ગામોના જે બાળકોનો જન્મ ઊંઝાની વિવિધ હોસ્પિટલોમાં થયો હોય તેમના જન્મ દાખલાની નોંધણી તથા તેમાં કોઈપણ પ્રકારના સુધારા માટે સંબંધિત પરિવારોને ઊંઝા નગરપાલિકાનો સંપર્ક કરવો ફરજિયાત બને છે. પરિણામે દૂરના ગામડાઓમાંથી આવતા લોકોને વારંવાર નગરપાલિકાના કર્મચારીઓ ની ગોકળ ગાય ગતિ કામગીરી ને લીધે ધક્કા ખાવા પડી રહ્યા છે.

અરજદારોના જણાવ્યા મુજબ નગરપાલિકામાં ફરજ પરના કર્મચારીઓ દ્વારા "સર્વર કામ કરતું નથી" અથવા "કામનું ભારણ વધુ છે" જેવા કારણો આપી અરજદારોને પરત મોકલવામાં આવે છે. વધુમાં જન્મ દાખલામાં સુધારા માટે જરૂરી ફોર્મ પણ ઉપલબ્ધ ન હોવાની કબૂલાત કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હોવાનું અરજદારો જણાવી રહ્યા છે.

એક તરફ સરકાર દ્વારા નાગરિકોને સરળ અને ઝડપી સેવાઓ આપવાના દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ સામાન્ય લોકો પોતાના જરૂરી દસ્તાવેજોના કામ માટે સમય અને નાણાંનો બિનજરૂરી વ્યય કરવા મજબૂર બન્યા છે. દૂરના ગામડાઓમાંથી આવતા પરિવારોને એક જ કામ માટે અનેક વખત આવવું પડતું હોવાથી લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં નગરપાલિકાના નવા પ્રમુખની નિમણૂક થયા બાદ લોકોમાં આશા જાગી છે કે તેઓ આ પ્રશ્નને ગંભીરતાથી લઈ જન્મ-મરણ નોંધણી શાખાની કામગીરીમાં સુધારો લાવવા માટે જરૂરી અને કડક પગલાં ભરશે. સર્વરની સમસ્યા, કર્મચારીઓની અછત અને ફોર્મની ઉપલબ્ધતા જેવા મુદ્દાઓનો તાત્કાલિક ઉકેલ લાવી નાગરિકોને રાહત આપવામાં આવશે કે કેમ તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.

આ મામલે નગરપાલિકા પ્રમુખનો પ્રતિભાવ જાણવા માટે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હોવાથી તેમનો પક્ષ જાણી શકાયો નહોતો.જન્મ દાખલા જેવી મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સેવામાં અરજદારોને પડી રહેલી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે તેવો સવાલ હવે લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.