મહેસાણા : અનેક દિગજજોને છોડી હરિભાઈ પટેલ ના નામ પર મોદીએ કેમ પસંદગી ઉતારી ? જુઓ ખાસ તસવીર
PM મોદીની ગુડ બુકમાં અગાઉથી જ હતું હરિભાઈ પટેલનું નામ
હરિભાઈ કોઈ જૂથ ના નહિ પણ એક પાયાના કાર્યકર
મોદીની જેમ હરિભાઈ પટેલ પણ પ્રભાવી બોડી લેન્ગવેજ ધરાવતા પર્સનાલિટી પર્સન છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : મહેસાણા લોકસભા બેઠક પર છેલ્લે સુધી ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. જેને લઇને તરેહ તરેહ ની ચર્ચાઓ ચાલી રહી હતી. તેમજ અનેક નામોની અટકળો પણ મીડિયામાં તેમજ સોશિયલ મીડિયામાં ચાલતી હતી. ત્યારે ગઈકાલે હોળીના દિવસે જ ભાજપ દ્વારા ગુજરાતના છ ઉમેદવારોની એક સાથે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં મહેસાણામાંથી ભાજપના પાયાના કાર્યકર ગણાતા હરિભાઈ પટેલને ટિકિટ આપીને ભાજપ એ સૌને ચોકાવી દીધા હતા.
મહેસાણા જિલ્લો એ સૌથી શિક્ષિત જિલ્લો છે. ત્યારે આ શિક્ષિત જિલ્લામાં એક શિક્ષિત ઉમેદવાર ને ટિકિટ મળતા આ વિસ્તારના લોકોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે. અત્રે એક વાત ખાસ નોંધનીય છે કે 15 વર્ષ બાદ ભાજપે મહેસાણા લોકસભા સીટ પર પુરુષ ઉમેદવાર ને ટિકિટ આપી છે.
જોકે મહેસાણા સીટ પર હરિભાઈ પટેલ નું નામ જાહેર થતા ની સાથે જ 'કહી ખુશી કહી ગમ ' જેવો માહોલ પણ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.કારણ કે મીડિયામાં તેમજ સોશિયલ મીડિયામાં ટિકિટ મુદ્દે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓના નામ ચાલી રહ્યા હતા. જોકે ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનના એક બે નેતાઓ ના નામ તો પાકકા ગણવામાં આવી રહ્યા હતા. પરંતુ ટિકિટ માટેના પ્રબળ દાવેદારો ને પાછળ છોડીને પાયાના સાચા અર્થમાં રહી ચૂકેલા એક કાર્યકરને ટિકિટ મળતા ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી છે.
અત્રે નોંધનીય છે કે મહેસાણા લોકસભા સીટ ઉપર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ દાવેદારી નોંધાવી હતી. પરંતુ એકાએક કોણ જાણે કેમ તેમને આત્મજ્ઞાન થયું હોય તેમ નીતિનભાઈ પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી હતી. તો બીજી બાજુ જે પ્રબળ દાવેદારો હતા તેમના પત્તા કપાઈ જવાથી હવે તેમના સમર્થકોમાં નિરાશા જોવા મળી હતી.
હરિભાઈ પટેલ નો પરિચય....
હરિભાઈ પટેલ મૂળ ઊંઝા તાલુકાના સુણક ગામના વતની છે. હરિભાઈ પટેલના ધર્મ પત્ની મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને હરિભાઈ પટેલ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ મહેસાણા જિલ્લા પંચાયતમાં પદભાર સંભાળતા હતા અને નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં હરિભાઈ પટેલનું નામ હતું. જેને લઇને આજ સુધી ક્યાંય પણ ચર્ચામાં ન હતા એવા હરિભાઈ પટેલ પર નરેન્દ્ર મોદીએ સીધી પસંદગી ઉતારી છે. હરિભાઈ પટેલ ફાઇન એન્ડ આર્ટસ કોલેજના પ્રોફેસર રહી ચૂક્યા છે. મહેસાણા જિલ્લા પંચાયતમાં વર્ષો સુધી વિવિધ હોદ્દા ઉપર પદભાર સંભાળનાર હરિભાઈ પટેલ પોતાના વિસ્તારની સમસ્યાઓ ની ધારદાર રજૂઆત કરવામાં પણ ખૂબ જ સક્રિય રહ્યા છે. ઊંઝા થી લઈને મહેસાણા સુધી તેમના કાર્યક્ષેત્ર ની વિવિધ સમસ્યાઓને લઈને તેમણે અત્યાર સુધી સરકારમાં અનેક રજૂઆતો કરી છે. જેના મીઠા ફળ પણ ચાખવા મળ્યા છે. ત્યારે આવા એક સક્રિય પાયાના કાર્યકરને ટિકિટ મળતાં વિકાસને રોકેટ ગતિ વેગ મળશે એવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.