ગાંધીનગર : બનાસને બે મંત્રીઓ આપવા માટે ભાજપ મજબૂર કે મજબૂત ? કોંગ્રેસના કયા નેતા ભાજપને ભારે પડ્યા ?
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : ભાજપ શાસિત ગુજરાત સરકારમાં તાજેતરમાં મોટા ફેરફારો સાથે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં કેટલાક જૂના મંત્રીઓને પડતા મૂકતા નવા નિશાળીયા ધારાસભ્યોને મંત્રી પદની લ્હાણી કરવામાં આવી છે. આ બદલાવને લઈને રાજકીય પંડિતોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે — ખાસ કરીને “ભાજપે આ સમયે મંત્રીમંડળનું કદ શા માટે વધાર્યું?” અને “સક્ષમ અને અનુભવી ધારાસભ્યોને દૂર રાખીને નવા ચહેરાઓને તક શા માટે આપી?” જેવા સવાલો ઉઠી રહ્યા છે.
રાજકીય વિશ્લેષકોના અનુમાન મુજબ, બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાજપે છેલ્લા વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં કેટલીક સીટો ગુમાવી હતી. આગામી ચૂંટણીઓમાં એ પુનરાવર્તિત ન થાય તે માટે ભાજપે જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી નવા ચહેરાઓને મંત્રીપદ આપી રાજકીય સંતુલન સાધ્યું હોવાનું માનવામાં આવે છે.
ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં, સરકારે તાજેતરમાં વાવને અલગ જિલ્લો જાહેર કર્યો હતો. અહીંથી સ્વરૂપજી ઠાકોર પ્રથમવાર ધારાસભ્ય બનીને મંત્રી બન્યા છે, જ્યારે બનાસકાંઠાની ડીસા બેઠક પરથી પ્રવીણ માળીને પણ મંત્રી પદ મળ્યું છે. એટલે એક જ વિસ્તાર બે મંત્રીઓની નિમણૂકને લઈને અનેક અટકળોનો જન્મ થયો છે.
2024 ની લોકસભામાં ગનીબેને ભાજપની આશાઓ પર પાણી ફેરવ્યું
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાંથી 25 સીટો જીતી હતી, પરંતુ બનાસકાંઠા બેઠક કોંગ્રેસના ગનીબેન ઠાકોરે જીતતા ભાજપની “26 માંથી 26” જીતની આશા તૂટી ગઈ હતી. આ પરિસ્થિતિમાં આવનારી ચૂંટણીમાં સમાન પરાજય ન વેઠવો પડે તે માટે ભાજપે ગનીબેન ની વોટબેંક તોડવા ઠાકોર સમાજના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવ્યા હોવાનું મનાય છે.
આવનારી ચૂંટણીઓમાં મંત્રી બનેલ સ્વરૂપજી ઠાકોરને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં
સૂત્રોના અનુમાન પ્રમાણે, ઠાકોર સમાજના મતો બનાસકાંઠા જિલ્લામાં નોંધપાત્ર હોવાથી આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ આપી શકે છે — શક્ય છે કે હાલના મંત્રી બનેલા સ્વરૂપજી ઠાકોર ને કોંગ્રેસના ગનીબેન સામે મેદાનમાં ઉતારવામાં આવે તો નવાઈ નહીં !
ભાજપની ભાવિ સ્ટ્રેટેજી !
આ રીતે ગનીબેન ઠાકોરના વધતા રાજકીય પ્રભાવને કાબૂમાં લેવા, ઓબીસી મતોને સંભાળવા અને વિસ્તારના અસંતોષને ઠારવા માટે ભાજપે બનાસકાંઠા પરથી બે ધારાસભ્યોને મંત્રી પદ આપ્યું હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે. મંત્રીમંડળના તાજેતરના ફેરફારો માત્ર પ્રશાસકીય નથી, પરંતુ આવનારી લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટેનું સુવિવેચિત રાજકીય ગણિત હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.