ઊંઝા : 7.90 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ ટાઉન હોલને સ્વ. ડો.આશાબેન પટેલનું નામ આપવા ઉઠી માંગ

પૂર્વ ધારાસભ્ય સ્વ.ડો. આશાબેન પટેલના પ્રયત્નોથી મંજુર થયો હતો 7.90 કરોડનો ટાઉન હોલ

ઊંઝા : 7.90 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ ટાઉન હોલને સ્વ. ડો.આશાબેન પટેલનું નામ આપવા ઉઠી માંગ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ધાર્મિક અને સ્પાઇસ સીટી ઊંઝા મા પૂર્વ ધારાસભ્ય સ્વ. ડો. આશાબેન પટેલ ના પ્રયત્નો થી તેમના કાર્યકાળમાં અનેક વિકાસકાર્યો થયા છે. જોકે ડોક્ટર આશાબેન પટેલ આજે ભલે હયાત ન હોય પરંતુ તેમના વિકાસ કાર્યોની સુવાસ આજે પણ ઊંઝામાં પ્રસરી રહી છે. સ્વ. ડો. આશાબેન પટેલના પ્રયત્નો થી ઊંઝા નગરને 7.90 કરોડના ખર્ચે ટાઉનહોલ ફાળવવામાં આવ્યો હતો જેનું ખાતમુહૂર્ત પૂર્વ નાયબ મંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયું હતું.

ડો. આશાબેન પટેલના પ્રયત્નોથી ઊંઝા ને સરકારી સાયન્સ કોલેજ પણ પ્રાપ્ત થઈ છે. પરંતુ ડો. આશાબેન પટેલ કોરોના કાળ દરમિયાન આ ફાની દુનિયા છોડીને એકાએક જતાં રહ્યાં. જેની આ નગરને મોટી ખોટ પડી હતી. ત્યારે રાજ્ય સરકારે પણ તેમની કામગીરીને બિરદાવીને ઊંઝા સાયન્સ કોલેજને ડો. આશાબેન પટેલનું નામ આપ્યું હતું. 

જો કે આશાબેન નિધન બાદ ઊંઝામાં 7.90 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ટાઉનહોલને પણ ડો. આશાબેન પટેલ નું નામ આપવાની  ચર્ચા ચાલી હતી. પણ હજુ સુધી નગરપાલિકા દ્વારા ટાઉનહોલ ના નામકરણ અંગે કોઈ જાહેરાત કરાઈ નથી.જેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે આશાબેન પટેલના નેતૃત્વમાં ઊંઝામાં વર્ષો પછી પ્રથમવાર ભાજપનું શાસન આવ્યું હતું અને ડો. આશાબેન પટેલના આશીર્વાદથી જ રીંકુબેન પટેલ નગર પાલિકાનાં પ્રમુખ પણ બન્યાં હતાં.પણ હવે સત્તા હાથમાં આવતા જ કદાચ માનસિકતા બદલાઈ જવાના કિસ્સા પણ કાઈ ઓછા નથી હોતા. ત્યારે હવે જોવું એ રહ્યું કે તાજેતરમાં તૈયાર થયેલ આ ટાઉનહોલ ને નગર પાલિકા ડો. આશાબેન પટેલ નું નામ આપી ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપશે કે પછી ગાડરિયા પ્રવાહમાં જોતરાઈ જશે ?