Dy. CM નીતિનભાઈ પટેલ ભાષણ દરમ્યાન ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ વિશે એવું તે શું બોલી ગયા કે સાંભળનારા એકબીજા સામે જોવા લાગ્યા !

Dy. CM નીતિનભાઈ પટેલ ભાષણ દરમ્યાન ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ વિશે એવું તે શું બોલી ગયા કે સાંભળનારા એકબીજા સામે જોવા લાગ્યા !

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ભાષણ છટા કંઈક અલગ જ પ્રકારની છે. તેઓ જાહેર મંચ પરથી જ્યારે ભાષણ કરતા હોય ત્યારે હસતા હસતા વિરોધીઓને ટકોર પણ કરી દેતા હોય છે. તો વળી બીજીબાજુ સત્યનો સ્વીકાર પણ કરી લેતા હોય છે. જોકે તેઓ પોતાના ભાષણમાં સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોની માહિતી આપવાનું તો કદી પણ ચૂકતા નથી એ તેમની સૌથી મોટી ખાસિયત છે. તો બીજી બાજુ પોતાની સરકારના સહયોગથી ધારાસભ્યો દ્વારા કરાયેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપતા આપતા તેઓ જરૂર પડે તો ટકોર કરે છે અને સારું લાગે તો પ્રશંસા પણ કરતા હોય છે.

ગઈકાલે ઊંઝા માં ટાઉનહોલના ખાતમુહૂર્ત દરમિયાન પણ કંઇક આવી જ ઘટના ઘટી હતી. નીતિન પટેલે પોતાના વક્તવ્ય દરમિયાન ભાજપ સરકારે નગરપાલિકાઓ ના બંને હાથ કેવી રીતે મજબૂત કર્યા તેની સવિસ્તાર માહિતી આપી હતી. એટલું જ નહીં પરંતુ જગતજનની મા ઉમિયાના પાવનધામ ઊંઝામાં થયેલા વિકાસ કાર્યોની તેમણે રૂપરેખા પણ આપી હતી. પોતાના ભાષણમાં તેમણે ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ ના નેતૃત્વમાં ઊંઝામાં કયા કયા વિકાસ કાર્યો થયા એનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે ઊંઝાના ધારાસભ્ય સૌથી સક્રિય તેમજ શિક્ષિત છે એટલા માટે તેમણે ઊંઝામાં શિક્ષણની બાબતમાં જરાય પાછી પાની કરી નથી. ઊંઝાના ધારાસભ્ય ની તેમણે પોતાના જાહેર પ્રવચનમાં આ રીતે પ્રશંસા કરતાં સાંભળનારા સૌ દંગ રહી ગયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે ડો.આશાબેન પટેલ ના અથાક પ્રયત્નો ને પરિણામે જ ઊંઝા અને વડનગરને સાયન્સ કોલેજ પ્રાપ્ત થઇ છે. વળી તેમણે એમ પણ કહ્યું કે હવે વડનગરમાં સાયન્સ કોલેજ માટેનું બિલ્ડીંગ પણ જ્યારે ડો. આશાબેન પટેલ ના પ્રયત્નોથી તૈયાર થઈ ગયું છે ત્યારે તેનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરવાના પણ સંકેત આપ્યા હતા. ઊંઝા નગરપાલિકા દ્વારા શહેરમાં થયેલા વિકાસ કાર્યો માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નગરપાલિકાની ગ્રાન્ટ ફાળવવામાં જરાય પાછી પાની નહીં કરી હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે ભાજપના શાસનમાં નગરપાલિકાઓને વિકાસકાર્યો માટે છૂટો દોર મળી ગયો છે.2015 થી નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે 15 હજાર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.જ્યારે કોંગ્રેસના શાસનમાં જો જકાત આવે તો નગરપાલિકાઓમાં કર્મચારીઓના પગાર થતા, વિકાસની વાત તો ગણી છેટી રહેતી.ત્યારે ભાજપે સંપૂર્ણ જકાત નાબૂદ કરી દીધી છે.

ઊંઝા ખાતે નિર્માણ પામનાર અધ્યતન ટાઉન હોલ ની માહિતી આપતાં નીતિન પટેલે જણાવ્યું હતું કે આ ટાઉનહોલમાં ૭૦૦ જેટલી બેઠકો છે તેમજ સમગ્ર સેન્ટ્રલ એસી હોલ છે. જેમાં પાર્કિંગ ઉપરાંત સભાખંડ અને કોન્ફરન્સ હોલ ની પણ સુંદર વ્યવસ્થા છે. આ ઉપરાંત તેમણે ભાજપ સરકાર દ્વારા થયેલ ઊંઝાના વિકાસ કાર્યોની માહિતી આપતા જણાવ્યું હતું કે રૂપાણી ભાજપના શાસનમાં ઊંઝામાં રેલવે અંડરપાસ, નગરપાલિકાનું નવનિર્મિત બિલ્ડીંગ, મામલતદાર કચેરીનું નવનિર્મિત બિલ્ડીંગ, નવનિર્મિત હોસ્પિટલની બિલ્ડીંગ જેવા અનેક વિકાસકાર્યો થયાં હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું.