ઊંઝા : અસહકાર લડત મુદ્દે સફાઈ કર્મીઓને પાલિકાએ આપી ગર્ભિત ધમકી : અપક્ષ નગરસેવકે પાલિકા પ્રમુખ સામે તાક્યું નિશાન

ઊંઝા : અસહકાર લડત મુદ્દે સફાઈ કર્મીઓને પાલિકાએ આપી ગર્ભિત ધમકી : અપક્ષ નગરસેવકે પાલિકા પ્રમુખ સામે તાક્યું નિશાન

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  અલ્પ બહુમતીવાળી ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી હોર્ડિંગ્સ લગાવવા ના મામલે ચર્ચાના ચકડોળે ચઢી છે ત્યારે ઊંઝા નગરપાલિકા માં સફાઇ કર્મીઓ એ પોતાના હક માટેની માગણી કરતા તેમની માગણીને ધ્યાને ન લેવાતા છેવટે સફાઇ કર્મીઓ એ અસહકારનું શસ્ત્ર ઉગામ્યું હતું. ત્યારે આ મુદ્દે ઊંઝા નગરપાલિકા હવે લાજવાને બદલે ગાજે રહી છે.

ઊંઝા નગરપાલિકાના સફાઇ કર્મીઓ ને પોતાના હક્કો ન મળતા છેવટે તેમણે ગાંધીજી નું સૌથી પ્રિય શસ્ર અસહકારની લડત અનિશ્ચિત મુદત માટે શરૂ કરી છે જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા આ સફાઈકર્મીઓને ચેતવણી સ્વરૂપે ગર્ભિત ધમકી આપી છે.

જેમાં પત્રમાં લખવામાં આવ્યું છે કે, બિનજવાબદાર રીતે ફરજ પરથી ગેર હાજર રહેવાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં જો દિન-1 માં ફરજ પર હાજર થવામાં નહિ આવે તો નગર પાલિકા દ્વારા આરોગ્ય સેવાઓ ખોરંભે ન પડે તે માટે અન્ય વ્યવસ્થા ઉભી કરવાની ફરજ પડશે તથા નગર પાલિકાના જાહેર આરોગ્યને લક્ષમાં લઈ નિર્ણય કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે ગઈકાલે મળેલી ઊંઝા નગરપાલિકા ની જનરલ સભા દરમ્યાન આશરે 50થી વધારે સફાઈ કામદારો તેમની ન્યાયિક માગણીઓની રજૂઆતો પરત્વે પ્રમુખ ને મળવા માટે એક કલાકથી તેમની રાહ જોઇને ઊભા હતા ત્યારે પ્રમુખે આ લોકોની સામે જોવાની શુધ્ધા દરકાર કરી ન હતી અને પાલિકાનું અવિભાજ્ય અંગ ગણાતા આ સફાઈ કર્મીઓ નું અપમાન કર્યું હતું.નોંધપાત્ર બાબત એ છે કે આશરે દોઢસો જેટલા સફાઈ કર્મીઓ છેલ્લા 10 વર્ષથી લઈ 25 વર્ષ જૂના રોજમદાર છે.

આ બાબતે અપક્ષના નગર સેવક ભાવેશ પટેલે મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રમુખે સફાઈ કર્મીઓની ન્યાયિક માગણીઓને સાંભળી તેનું નિરાકરણ લાવવું જોઈએ,પણ દુઃખદ બાબત એ છે કે પાલિકા પ્રમુખે રજૂઆત કરવા આવેલ રોજમદારો પ્રત્યે આંખ આડા કાન કર્યા એ કેટલું યોગ્ય ગણાય ? બીજું કે સત્તા તો સીમિત સમય માટે હોય છે જ્યારે સફાઈ કર્મીઓ એ પાલિકાના પરિવારના સભ્ય સમાન ગણાય.શહેરની આરોગ્યલક્ષી સેવાઓ માં જેમનો સિંહ ફાળો છે એવા સફાઈ કર્મીઓની ન્યાયિક માંગણીઓનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવે એ જરૂરી છે. આ બાબતે ઊંઝા નગર પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો પણ ફોન રિસીવ કરવાની તેમણે તસ્દી લીધી ન હતી.