પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન : દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક રહેશે

દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહનું આજે 92 વર્ષે નિધન થયું છે.26 ડિસેમ્બરે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડ્યા બાદ તુરંત દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું છે.તેઓ 2004 થી 2014 સુધી વડાપ્રધાન પદ પર રહ્યા. તેઓ વડાપ્રધાન પહેલા નાણામંત્રી પણ રહી ચુક્યા છે. મનમોહન સિંહ દેશમાં આર્થિક સુધારા માટે જાણીતા છે. પીવી નરસિમ્હા રાવની સરકારમાં નાણાપ્રધાન રહીને તેમણે આર્થિક ક્ષેત્રમાં ઘણા ફેરફારો કર્યા હતા.
મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતમાં થયો હતો. તેમનું જન્મસ્થળ હાલના પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છે. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી. રાજનીતિમાં જોડાવા ઉપરાંત મનમોહન સિંહે શૈક્ષણિક કાર્ય પણ કર્યું છે. તેમણે પંજાબ યુનિવર્સિટી, દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ અને દિલ્હી યુનિવર્સિટીમાં પણ ભણાવ્યું છે.
ડૉ.મનમોહન સિંહને અનેક પુરસ્કારો અને સન્માનોથી નવાજવામાં આવ્યા છે. આમાં મહત્વપૂર્ણ છે ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ (1987); ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો જવાહરલાલ નેહરુ જન્મ શતાબ્દી પુરસ્કાર (1995); એશિયા મની એવોર્ડ ફોર ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર (1993 અને 1994); યુરો મની એવોર્ડ ફોર ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર (1993), કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એડમ સ્મિથ એવોર્ડ (1956); સેન્ટ જ્હોન્સ કોલેજ, કેમ્બ્રિજ (1955) ખાતે વિશિષ્ટ પ્રદર્શન માટે રાઈટ પુરસ્કાર. ડો.સિંઘને જાપાની નિહોન કેઈઝાઈ શિમ્બુન અને અન્ય સંગઠનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. સિંહને કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ અને અન્ય ઘણી યુનિવર્સિટીઓ દ્વારા માનદ પદવીઓ એનાયત કરવામાં આવી છે.