ઊંઝા : ધારાસભ્ય અને પ્રદેશ નેતાના માનીતા નગરસેવક આવ્યા ચર્ચામાં : કાર્યકરોમાં છુપો રોષ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો લિખા ) : તાજેતરમાં યોજાયેલી ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં નગરપાલિકાના એક પ્રતિનિધિ તરીકે પ્રિતેશ પટેલ ને મોકલવા માટે ભાજપના વર્તમાન ધારાસભ્ય અને પ્રદેશ કક્ષાના એક નેતાએ પોતાનું એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને પ્રિતેશ પટેલ ના નામનો મેન્ડેડ લઈ આવ્યા હતા અને તેને એપીએમસીના નગરપાલિકા પ્રતિનિધિ તરીકે મોકલ્યો હતો. પરંતુ હવે જેને ભાજપના મેન્ડેડ પર એપીએમસી માં મોકલ્યા છે એ જ વ્યક્તિની હવે ભાજપના કાર્યક્રમમાં પાંખી હાજરી જોવા મળતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.
કોણ છે પ્રિતેશ પટેલ ?
છેલ્લા કેટલાક સમય પહેલા ઊંઝા નગરપાલિકામાં રાત્રી સફાઈ કૌભાંડને લઈને ભારે ઉહાપોહ થયો હતો. જેમાં પ્રિતેશ પટેલ નું નામ પણ ગાજ્યું હતું. જેમની સામે કેસ પણ થયા હતા. પરંતુ ઊંઝા ના ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતા ધારાસભ્ય અને પ્રદેશના એક મહત્વકાંક્ષી નેતાએ અન્ય નગર સેવકોને સાઈડ લાઈન કરીને પ્રિતેશ પટેલ ના નામનું મેન્ડેડ લઈ આવતા નગરસેવકોમાં પણ વિરોધનો સુર ઉઠ્યો હતો. પરંતુ સત્તા ના જોરે નગર સેવકોના અવાજને દબાવી દેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
મળતી માહિતી મુજબ તાજેતરમાં ઊંઝા ખાતે ભાજપના જે કાર્યક્રમ યોજાયા હતા તેમાં નગરપાલિકાના નગરસેવક અને એપીએમસીમાં ભાજપના મેન્ડેડ ઉપર ગયેલા આ પ્રતિનિધિ ની મહત્તમ ગેરહાજરી જોવા મળી હતી જેને લઈને કાર્યકરોમાં અનેક પ્રકારના તર્ક વિતર્કો શરૂ થયા છે. જોકે તાજેતરમાં ઊંઝા ભાજપ દ્વારા બે થી ત્રણ જેટલા જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા જેમાં પ્રિતેશ પટેલ જોવા મળ્યા નહિ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે કાર્યકરોમાં ભાજપના ધારાસભ્ય અને પ્રદેશના આ મહત્વકાંક્ષી નેતા સામે ક્યાંક ને ક્યાંક છૂપો રોષ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.