વડોદરા : છેલ્લા 9 વર્ષથી પછાત વર્ગના બાળકોમાં શિક્ષણની રોશની ફેલાવતી દિવ્ય રોશની સ્કૂલ

વડોદરા : છેલ્લા 9 વર્ષથી પછાત વર્ગના બાળકોમાં શિક્ષણની રોશની ફેલાવતી દિવ્ય રોશની સ્કૂલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ : હાલના ટેકનોલોજી યુગમાં ' સ્વ ' ની પરવા કર્યા વિના પરમાર્થ કાર્યોમાં સદૈવ પ્રવૃત્તિ રહેવું એ સૌથી મોટી જનસેવા અને પ્રભુભક્તિ છે.આજના ટેકનોલોજી યુગમાં વૈચારિક સમૃદ્ધિ અને ઉદારતા એ સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

વડોદરાનું દિવ્ય રોશની સ્ટ્રીટ સ્કૂલ ટ્રસ્ટ એ સમાજના ગરીબ અને પછાત વર્ગના બાળકોના જીવનમાં શિક્ષણ દ્વારા ખરા અર્થમાં રોશની ફેલાવીને વિવેકાનંદના ' જન સેવા એ જ પ્રભુસેવા ' ના સૂત્રને સાકાર કરી રહ્યું છે.

ઇ.સ.2014 માં વડોદરાના મકરપુરા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં કેશુબેન ચૌહાણ એ માત્ર પાંચ બાળકો ને ખુલ્લામાં શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. ગરીબ અને પછાત વર્ગના બાળકોના જીવનમાં રોશની ફેલાવવાનો કેસુબેનનો આ નાનકડો પ્રયાસ જ્યોત જોતામાં એક વટ વૃક્ષ બની ગયો અને આજે આ દિવ્ય રોશની સંસ્થા દ્વારા 200 જેટલા બાળકોને શિક્ષણ અને સાથે સાથે પોષણ આપવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.

શિક્ષણ મેળવવા આવનાર બાળકોના માતા-પિતા મોટેભાગે શ્રમજીવી હોય છે જેઓ વહેલી સવારથી જ પોતાના કામ ધંધાર્થે ચાલ્યા જતા હોય છે ત્યારે આ બાળકો કુપોષણનો શિકાર ન બને તે માટે શિક્ષણની સાથે સાથે બાળકોને પોષણક્ષમ આહાર પણ આપવામાં આવે છે.સોમવારથી શનિવાર એમ કુલ છ દિવસ આ બાળકોને સવારે બે કલાક અને સાંજે બે કલાક શિક્ષણ આપવામાં આવે છે. એટલું જ નહીં આ બાળકોને શાળામાં મોકલવા ઉપરાંત બાળકોને ચોપડાથી લઈને કપડા સુધીની તમામ જીવન જરૂરિયાતની તેમજ અભ્યાસલક્ષી જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે.

સાથે સાથે આ બાળકો માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સંસ્કૃતિથી પણ માહિતગાર બને તે માટે બાળકો સાથે અનેક નાના મોટા તહેવારો ની ઉજવણી પણ કરવામાં આવે છે.

જે બાળકોએ સરકારી શાળામાં ધો. 1 થી 8 સુધીનું શિક્ષણ પૂર્ણ કરી દીધું હોય તેવા બાળકોને જરૂરિયાત મુજબ ખાનગી શાળામાં પણ પ્રવેશ અપાવવામાં આવે છે અને સાથે સાથે આ બાળકોની ફી ઉપરાંત યુનિફોર્મ તેમજ અભ્યાસલક્ષી વિવિધ જરૂરિયાતો પણ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. માત્ર શિક્ષણ જ નહીં પરંતુ બાળકના સર્વાંગી વિકાસ માટે વિવિધ રમતો રમાડવામાં આવે છે ઉપરાંત બાળકોમાં રહેલી છુપી શક્તિઓને બહાર લાવવા માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરાય છે. ઠંડી, ગરમી, તાડ-તડકો ની પરવા કર્યા વગર બારેમાસ આ વિસ્તારના બાળકોને ખુલ્લામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ખરેખર દિવ્ય રોશની સંસ્થા ગરીબ પછાત અને વંચિત વર્ગના બાળકોના જીવનમાં સાચા અર્થમાં રોશની ફેલાવી રહી છે.

દિવ્ય રોશની સ્ટ્રીટ સ્કૂલ દ્વારા અપીલ કરવામાં આવે છે કે, જો આપની પાસે બાળકો માટે જૂના કપડાં ,તમારા ઘર માં રહેલ નકામી ચીજ કે જે આ બાળકો માટે ઉપયોગી થઈ શકે ,રમકડાં , શિક્ષણ માં ઉપયોગી એવી ગેમ વગેરે હોય અને આપ જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવા ઈચ્છતા હોય તો નીચેના નંબર પર આપ સંપર્ક કરી શકો છો.આ ઉપરાંત આર્થિક ડોનેશન સહિતની મદદ માટે આપ 8320165282 પર સંપર્ક કરી શકો છો.