ખાખીએ માનવતા મહેકાવી : વાવાઝોડાને પગલે આ પોલીસમેને વૃદ્ધાને પોતાની પીઠ પર બેસાડી સ્થળાંતર કરાવ્યું, વિડીયો થયો વાયરલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : તાઉ-તે વાવાઝોડાને પગલે ગુજરાત સરકાર એક્શન મૂડમાં છે. દરિયા કિનારાના શહેરોમાં પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. તો દરિયા કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ દ્વારા પણ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.ત્યારે રાજકોટમાંથી એક પોલીસમેન નો વિડીયો બહાર આવ્યો છે જેમાં ખાખી ની અંદર છુપાયેલી માનવતા જોવા મળી છે.
રાજકોટ જિલ્લાના ગામડાઓમાં કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોનું આજે સવારે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું હતું ત્યારે પડધરીમાં નીચાણવાળા વિસ્તારમાં પોલીસ સાથે સ્થળાંતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયે ખાખીની માનવતાને મહેકી હતી. પોલીસ જવાને ચાલી ન શકતા મોટી ઉંમરના વૃદ્ધાને પોતાની પીઠ પર ઉંચકી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.આ દ્રશ્યો જાગૃત નાગરિકે પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.
જો કે પ્રાપ્ત મીડિયા અહેવાલો મુજબ, આજે સવારે પડધરી પોલીસના બે કર્મચારી જસમત માંકોલીયા અને સુભાષ ડાભી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતરણ કરી રહ્યાં હતા. ત્યારે એક પોલીસ જવાને મોટી ઉંમરના વૃદ્ધા ચાલી શકતા ન હોવાથી પોતાની પીઠ પર ઉંચકી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. સાથે નાના બાળકો, પુરૂષો અને મહિલાઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.