ભાજપ શરમજનક સ્થિતિમાં મૂકાયું : ભાજપના ધારાસભ્ય જે.વી.કાકડીયાએ વ્હોટ્સ એપ ગ્રુપમાં બીભત્સ ફોટા મૂકતા ખળભળાટ

ભાજપ શરમજનક સ્થિતિમાં મૂકાયું : ભાજપના ધારાસભ્ય જે.વી.કાકડીયાએ વ્હોટ્સ એપ ગ્રુપમાં બીભત્સ ફોટા મૂકતા ખળભળાટ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ભાજપના નેતાઓ દ્વારા whatsapp ગ્રુપમાં અશ્લીલ ફોટાઓ અને વિડિયો share કરવા એ જાણે એક ફેશન બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અનેક વાર સમાચાર માધ્યમોમાં ભાજપના નેતાઓ દ્વારા whatsapp ગ્રુપમાં અશ્લીલ ફોટો કે વીડિયો શેર કર્યા હોવાના સમાચારો ચમકતા રહે છે. છતાં પણ નેતાઓ દ્વારા આ બાબતે ગંભીરતા રાખવામાં આવતી નથી. ત્યારે તાજેતરમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ભાજપના ધારાસભ્ય દ્વારા whatsapp ગ્રુપમાં અશ્લીલ ફોટો શેર કરવામાં આવ્યા છે. જોકે આ ઘટનાને લઇને એવું લાગે છે યા તો ભાજપના નેતાઓને મોબાઈલ યોગ્ય ઉપયોગ કરતા નથી આવડતું અથવા તો પછી તેમની હલકી માનસિકતા તેમનાથી ક્યાંક ને ક્યાંક જાણે-અજાણે પ્રદર્શિત થઈ જતી હોય છે.

પ્રાપ્ત મીડિયા અહેવાલો અનુસાર, ધારી તાલુકા ભાજપના વોટ્સએપના ગૃપમાં આ વિસ્તારના ભાજપના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ બીભત્સ ફોટાઓ મુકતા ચકચાર જાગી છે. ફોટા જોતા જ ગ્રૂપમાં રહેલી મહિલાઓ ક્ષોભમાં મૂકાઈ હતી. તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ લેફ્ટ થઈ ગયા હતા. આ અંગે ધારી તાલુકા ભાજપના પ્રમુખ જીતુભાઈ જોષી દ્વારા ધારી પોલીસને આપવામાં આવેલી લેખિત ફરિયાદમાં જણાવાયું છે કે, તેમના દ્વારા ધારી તાલુકા ભાજપનું વોટ્સએપનું ગૃપ બનાવવામાં આવ્યું છે. તેમાં પક્ષની મિટીંગો તથા પક્ષની પ્રવૃત્તિઓની વિગતો મૂકવામાં આવે છે. તેમાં બપોરના સમયે ધારીના ભાજપના ધારાસભ્ય જે. વી. કાકડીયાના મોબાઈલ નંબર પરથી યુવતીના નગ્ન ફોટાઓ પોસ્ટ થતા ખળભળાટ મચી ગયો હતો.

ધારી  તાલુકા પ્રમુખ દ્વારા ધારાસભ્યને ફોન કરીને જાણ કરવામાં આવી હતી જેથી ધારાસભ્યએ પોતાનો મોબાઈલ ચેક કરીને જણાવ્યું હતું કે, તેમના ફોનમાં એક લીંક આવેલી હતી.આ લીંક જોતા તે ખૂલતી બંધ થઈ ચુકી હતી અને ઘણી મથામણ કરવા છતા પણ ઓપન થઈ નહોતી. કોઈ અજાણ્યા શખસે ધારાસભ્યનો ફોન નંબર સાથે ચેડા કરીને હેક કરી લીધો હતો અને તેના દ્વારા આ ફોટા અપલોડ થયા હોવાનું જણાવાયું છે. જેથી અજાણ્યા શખસ સામે તપાસ કરીને કાર્યવાહી કરવા માટે ધારી પોલીસને લેખિત અરજી આપવામાં આવી છે. ઘટના બન્યા બાદ ગૃપના એડમીન દ્વારા ગૃપનું નામ બદલીને ઓનલી એવું નામ કરી દેવામાં આવ્યુ હતું અને તેમાંથી ધારી તાલુકા ભાજપનું નામ હટાવી લેવાયું હતું.