સુરત : મેયર નો AAP ના નગર સેવકોએ કર્યો ઘેરાવ: ધક્કો લાગ્યો ? માંડ માંડ બહાર નીકળ્યા : વીડિયો થયો વાયરલ
મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના &દિખા સો લિખા ) : સુરત મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી કચરા કૌભાંડનો વિવાદ શરૂ થયો છે ત્યારે આજે મહાનગરપાલિકામાં વિપક્ષના આમ આદમી પાર્ટીના નગરસેવકોએ કચરા કૌભાંડ મુદ્દે મેયરનો ઘેરાવ કર્યો હતો અને સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.ત્યારે આ ઘેરાવ માંથી બહાર નીકળતા મેયરને ધક્કો પણ લાગ્યો હતો અને માંડ માંડ ઘેરાવ માંથી બહાર નીકળતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ બનીને સત્તાધીશોની કેટલીક નીતિ રીતી ઓનો અવારનવાર વિરોધ કરતી હોય છે. જોકે શાસક પક્ષ અનેક બાબતોને લઈને વિવાદોમાં સપડાયો છે તેમજ તેની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ લાગ્યા છે, ત્યારે તાજેતરમાં મહાનગરપાલિકામાં ગાજેલા કચરા કૌભાંડને લઈને આમ આદમી પાર્ટીના નગર સેવકોએ મેયરનો ઘેરાવ કર્યો હતો જેમાં મેયર મહાભારતના યુદ્ધમાં જેમ ચક્રવ્યુહમાં ઘેરાયેલા અભિમન્યુની જેમ વિરોધ પક્ષના સૂત્રોચ્ચાર કરતા નગરસેવકોની વચ્ચે ઘેરાયા હતા ત્યારે માંડ માંડ તેઓ બહાર નીકળી શક્યા હતા અને ચાલતા થયા હતા. સુરત મેયર સત્તા પક્ષમાં હોવા છતાં પણ વહીવટીય મુદ્દે ' દૂધમાં અને દહીમાં પગ રાખવા ' ની નીતિ અપનાવી રહ્યા હોય તેવું લાગે છે કારણ કે ખુદ ભાજપના જ નગરસેવકો પણ કેટલીક બાબતોમાં અંદરખાને અસંતુષ્ટ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.