નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો ચોંકાવનારો રિપોર્ટ : શહેરી મહિલાઓ અને ગામડાની મહિલાઓ વચ્ચે કઈ બાબતે જોવા મળ્યો મોટો તફાવત ? જાણો
શહેરોમાં વસવાટ કરતી મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થઈ રહી છે જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં વસવાટ કરતી મહિલાઓના વજનમાં હવે વધારો થઈ રહ્યો છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડાઓ પરથી એવું જાણવા મળી રહ્યું છે કે ગુજરાતની શહેરી મહિલાઓ પાતળી થઈ રહી છે જ્યારે પુરુષો જાડિયા થઈ રહ્યા છે. વર્ષ 2019-20 દરમિયાન શહેરોમાં વધુ વજન ધરાવતી મહિલાઓના પ્રમાણમાં 4%નો ઘટાડો નોંધાયો છે.છેલ્લા 5 વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતની શહેરી મહિલાઓ હેલ્થ બાબતે વધુ જાગૃત થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ સર્વેમાં એવું તારણ જાણવા મળ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પુરુષો અને મહિલાઓના વજનમાં વધારો થયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર શહેરોમાં વસવાટ કરતી મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય (હેલ્થ) પ્રત્યે વધુ જાગૃત થઈ રહી છે જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં વસવાટ કરતી મહિલાઓના વજનમાં હવે વધારો થઈ રહ્યો છે. આ પાછળનું કારણ જણાવતા રાજ્ય હેલ્થ વિભાગનું કહેવું છે કે હવે ગામડાના ખેતરોમાં ઘણી ઓછી મહિલાઓ પરિશ્રમ કરતી જોવા મળે છે, જ્યારે બીજી બાજુ તેઓ ઘરના કામમાં વ્યસ્ત રહેતી હોવાથી વજનમાં વધારો થયો છે.