કસુંબો ટ્રેલર : ગુજરાતના શૌર્ય, સમર્પણ, ત્યાગ, બલિદાન અને સનાતનના ઊજળા ઐતિહાસિક વારસાની શૌર્યગાથા
Mnf network: ગુજરાતી સિને જગતની ઐતિહાસિક ફિલ્મ "કસુંબો"નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ગુજરાતી ફિલ્મ જગતના ખુબ જાણીતા અને માનીતા દિગ્દર્શક વિજયગીરી બાવા દિગ્દર્શિત વીરપુરુષોની ગાથા દર્શાવતી ફિલ્મ "કસુંબો"નું ટ્રેલર ઐતિહાસિક ટ્રેલર આખરે યુ ટ્યુબ અને અન્ય સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ કરાયું છે.
લગભગ 100થી વધુ કલાકરો કસબીઓનો કાફલો ધરાવતી અને ગુજરાતી સિને જગતની અત્યાર સુધીની સૌથી વધુ લાગત ધરાવતી બહુચર્ચિચત ગુજરાતી ફિલ્મ કસુંબોમાં ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલ્લાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વણવામાં આવી છે.
ફિલ્મમાં ધમેન્દ્ર ગોહિલ, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, રાગી જાની, ફિરોઝ ઈરાની, કલ્પના ગાંગાડેકર, દર્શન પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ મોટા પડદા પર એકસાથે જોવા મળશે.
આગાનારી બહુ-અપેક્ષિત ફિલ્મનું ટ્રેલર યુદ્ધની પૂર્વાનુમાનના દ્રશ્ય સાથે ખુલે છે, જે નિકટવર્તી સમયમાં આવનારો સંઘર્ષ સૂચવે છે. અલ્લાઉદ્દીન ખિલજી બારોટો સાથે દુશ્મનાવટ માટે પાયો નાખતો નજરે ચઢે છે. જેમ જેમ ટ્રેલર આગળ વધે છે તેમ મુખ્ય પાત્રો બહાર આવે છે, જેમાં ખિલજી દ્વારા ગુજરાત પરના આક્રમણનું ચિત્રણ કરવામાં આવે છે. બહાદુર દાદુજી બારોટ, એક વીર સેનાની, તોળાઈ રહેલા ખતરા સામે ગુજરાતના વારસા અને સંસ્કૃતિને બચાવવા માટે આગળ વધે છે.
શેત્રુંજય મહાતીર્થની રક્ષા કાજે અપાયેલાં 51 અમર બલિદાનની વાર્તાને મોટા પડદા પર લાવવા વિજયગીરી ફિલ્મોઝ લગભગ 2 વર્ષથી કામ કરી રહ્યું હતું. એવામાં આ ઘટના પર બનેલી ફિલ્મ માટે દર્શકો ખુબ જ ઉત્સાહિત છે. ચાહકો કસુંબો ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આજે આખરે સિનેમાની ઐતિહાસિક ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અગાઉ ફિલ્મનું ટીઝર અને ટાઇટલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા `ખમકારે ખોડલ સહાય છે` ગીત પણ રિલીઝ થયું હતું.
જાણીતાં ફિલ્મ દિગ્દર્શક વિજયગીરી બાવાએ ગયા જાન્યુઆરીમાં તેમની આગામી UNTITLED ઐતિહાસિક ફિલ્મની જાહેરાત સાથે દર્શકોમાં ઉત્સાહ અને અપેક્ષાની લહેર ફરી વળી હતી. ચોતરફ ફિલ્મની અપેક્ષાની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે સંભવિત સુખદ વળાંક આપે તેવી વાતોએ વેગ પકડ્યો છે, ફિલ્મને વાસ્તવિકતાની વધુ નજીક લઇ જતા ચિત્રણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવેલા ઝીણવટભર્યા પ્રયાસોની ટ્રેલર પરથી ઝાંખી કરી શકાય છે.