બેચરાજીના જીતુ જોષીના દારૂના અડ્ડા પર મહેસાણા LCB ત્રાટકી, 4.87 લાખનો દારૂ ઝડપાયો
LCB રેડ દરમ્યાન જીતુ જોષી નાસી છૂટવામાં સફળ રહ્યો
બેચરાજીમાં LCBની ટીમે મધરાત્રે અચાનક રેઇડ કરી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ બોટલો મળી કુલ કિ.રૂ.4.87 લાખનો દારૂ ઝડપી પાડ્યો. આ સાથે કુલ 5.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
જીતુ જોષી રેડ પડતાં જ નાસી છૂટ્યો.અગાઉ પણ જીતુ જોષી ઘણા ગુનાઓમાં સંડોવાયેલો છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : રેન્જ આઇજી અભય ચુડાસમા અને મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચન કરેલ છે. જે અનુસંધાને LCB PI બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI એ.કે.વાઘેલા, ASI નરેન્દ્રસિંહ, હીરાજી, જયવીરસિંહ, W.ASI આશાબેન, AHC હર્ષદસિંહ, હેમેન્દ્રસિંહ, લાલાજી, APC જયસિંહ સહિતનો LCB સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન ASI નરેન્દ્રસિંહ અને HC રશ્મેન્દ્રસિંને સંયુક્તપણે બાતમી મળી હતી કે, બેચરાજી ટાઉનમાં નવદુર્ગા ચોકની બાજુમાં રહેતાં રમીલાબેન ઉર્ફે મામી અને તેમનો દીકરો જીતેન્દ્ર જોષી ઉર્ફે જીતીયો બંનેએ ભેગા મળી પોતાના ઘરથી બાજુના મકાનમાં વિદેશી દારૂ ઉતારેલ છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચોક્કસ બાતમી હોઇ LCBની ટીમ તાત્કાલિક બેચરાજી જવા રવાના થઇ હતી. જ્યાં મોડીરાત્રે અંદાજે 12 વાગે તેઓએ સ્થળ પર પંચો સાથે રાખી તપાસ કરતાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે એક લોડીંગ રીક્ષામાંથી બીયરની પેટીઓ પણ મળી આવતાં LCBની ટીમ ચોંકી ઉઠી હતી. આ તરફ રમીલાબેન ઉર્ફે મામીએ પોતાને શૌચક્રિયા કરવા સારૂ ઘરમાં ગયા બાદ અંદરથી જાળીનો દરવાજો બંધ કરી તાળું મારી દીધુ હતુ. જોકે LCBને ટીમે તાળું ખોલવાનું કહેતાં ના પાડતાં તાળું તોડવાની કોશિષ કરશો તો હું મારૂ માથુ લોખંડથી જાળીએ ભટકાળીશ અને શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લઇશ તેવી ધમકી આપી હતી.
આ દરમ્યાન LCBની ટીમે રમીલાબેન ઉર્ફે મામી વયોવૃધ્ધ હોઇ સીઆરપીસી કલમ 41-1(એ) મુજબની નોટીસ લખીને તેઓને સવારે પોલીસ સ્ટેશને આવી જવાની સમજ કરતાં તેમને નોટીસ સ્વિકારવાની તેમજ નોટીસમાં સહી કરવાની ના પાડી હતી. આ તરફ ટીમે સવારે તેમને હસ્તગત કરી મેડીકલ ચેકઅપ માટે મોકલ્યાં હોવાનું સામે આવ્યુ છે. આ સાથે તેમનો દીકરો જીતેન્દ્ર ઉર્ફે જીત્યો સ્થળ પર હાજર મળી ન આવતાં બંને સામે ગુનો દાખલ કરાયો છે. LCBની ટીમે સ્થળ ઉપરથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની બોટલ નંગ-2903, કિ.રૂ.4,87,925 અને લોડિંગ રીક્ષાની કિ.રૂ.1,00,000 મળી કુલ કિ.રૂ.5,87,925નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે બંને સામે પ્રોહી એક્ટની કલમ 65-A, 65(e), 116-B, 81, 83, 98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.