દુર્ઘટના/ નજીકમાં ફાયર સ્ટેશનના અભાવે તબેલામાં આગ લાગતાં 16 ગાય-વાછરડા અને 1 ઘોડીનું મોત

દુર્ઘટના/ નજીકમાં ફાયર સ્ટેશનના અભાવે તબેલામાં આગ લાગતાં 16 ગાય-વાછરડા અને 1 ઘોડીનું મોત
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામના ખેડૂત અને પશુપાલક રામભાઇ રાખોલીયા આજે બપોરે જમવા માટે બેઠા હતા. આ સમયે તેમના તબેલામાં અચાનક જ આગ ફાટી નીકળતાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 16 ગાય-વાછરડા અને 1 ઘોડીનું મોત થયું હતું. જ્યારે 12 ગાય-વાછરડા દાઝ્યા હતા. નેત્રંગથી 35 કિ.મી. દૂર ઝઘડિયામાં ફાયર સ્ટેશન હોવાથી ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે ન પહોંચી શકવાને કારણે પશુઓને બચાવી શકાયા નહોતા. જેથી પશુપાલકે નજીકમાં ફાયર સ્ટેશન બનાવવાની માંગ કરી છે.
તબેલામાં અચાનક જ આગ ફાટી નીકળતા ગાય અને વાછરડાઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેથી પશુપાલકોએ તુરંત જ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે 15થી 20 મિનિટમાં તબેલો બળીને ખાખ થઈ ગયો હતો અને જેમાં ખીલે બાંધેલા 16 ગાય-વાછરડા અને 1 ઘોડીનું મૃત્યુ થયું હતું. જોકે 12 ગાય વાછરડાને બચાવી લીધા હતા.જો કે, તબેલામાં આગ લાગવાનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી, જોકે, તબેલા ફરતે નેટ અને વાસ બાંધેલા હતા અને અંદર ઘાસ સ્ટોર કરેલુ હતું. જેથી ઘાસમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે તપાસ બાદ જ આગ લાગવાનું સાચુ કારણ બહાર આવશે. આ ઘટનામાં 11 લાખથી વધુ નુકસાન થયું છે.