ખળભળાટ : સુરતમાં ભાજપ સામે જ ભાજપે બાંયો ખેંચી ! મેયર અને મોરડીયાએ પાટીલની પ્રતિષ્ઠા દાવ પર લગાવી ?

ખળભળાટ : સુરતમાં ભાજપ સામે જ ભાજપે બાંયો ખેંચી ! મેયર અને મોરડીયાએ પાટીલની પ્રતિષ્ઠા દાવ પર લગાવી ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ હતા ત્યારે સુરતના મેયર તેમના કહ્યાગરા હતા પરંતુ જેવા જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા તે સાથે જ જાણે મેયર ની ચાલ બદલાઈ ગઈ હોય તેવું ચર્ચાવા લાગ્યું હતું. જેની પ્રતીતિ કરાવતો એક કિસ્સો તાજેતરમાં જ સુરત માં જોર શોર થી ચર્ચાસ્પદ બન્યો છે.

વાત એમ છે કે સમય અગાઉ કતારગામમાં સુમન સ્કૂલનું કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સી આર પાટીલ ના અનુગામી પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ કરાઈ. જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ કર્યાના ગણતરીના દિવસોમાં જ ધારાસભ્ય વિનું મોરડિયાએ સુમન સ્કૂલનું સ્થળ બદલવા પત્ર લખ્યો હતો. ત્યારબાદ નિયમો નેવે મૂકીને શાળાનું સ્થળ બદલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને જે શાળા બનાવવા માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે ખાતમુહૂર્ત કર્યું હતું એ હવે માત્ર ધારાસભ્યની રજૂઆતને ધ્યાનમાં લઈને શાળાના સ્થળમાં ફેરફાર કરાયો છે એટલું જ નહીં નિયમો નેવે મૂકીને તેનું બાંધકામ પણ શરૂ કરાયું છે. ત્યારે સૌથી મોટી ચર્ચા એ જાગી છે કે આ બાબતોમાં મેયર શું ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા છે ?

અત્રે નોંધાનીય છે કે મહાનગરપાલિકામાં મેયર ની સત્તા સૌથી વધારે હોય છે ત્યારે અત્યાર સુધી જે મેયર પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ એવા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ ના આજ્ઞાંકિત બનીને કામ કરતા હતા તે મેયર માત્ર એક ધારાસભ્યની રજૂઆત ને ધ્યાનમાં લઈને કેમ પોતાના સુર બદલી રહ્યા છે ? ચર્ચાઓ તો એવી પણ જાગી છે કે શું શાળાનું સ્થળ બદલીને મેયર અને મોરડીયા એ સી આર પટેલની સામે બાયો ખેંચી રહ્યા છે કે કેમ ?

જો કે, જાણવા મળતી માહિતી મુજબ, ધારાસભ્ય વિનુ મોરડીયા એ કરેલી ભલામણને હવે મંગળવાર મોડી સાંજે ચેન્જ ઓફ સાઇટની સત્તાવાર દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાઈ છે. જોકે કેન્દ્રીય મંત્રી હસ્તે ખાતમુહૂર્ત થયા પછી તે સ્કૂલનું સ્થળ બદલવાની દરખાસ્તને મંજૂરી આપવી કે નહીં? તેને લઈને મુદ્દો ગરમાયો છે. કારણ કે ભાજપની સામે જ ભાજપ હવે બાયો ખેંચવા લાગ્યું છે.

વોર્ડ નંબર સાતમાં 70 કરોડની લાઇબ્રેરી !

મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા શાળા બદલવાના સ્થળને લઈને જ્યારે સુરતના મેયર દક્ષેશ માવાણી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે આ મુદ્દાને ટાળવા માટે ગોળ ગોળ જવાબો તો આપ્યા હતા એટલું જ નહીં તેમણે એવું જણાવ્યું હતું કે વોર્ડ નંબર સાતમા 70 કરોડની લાઇબ્રેરી બનવા જઈ રહી છે જે માત્ર સુરત જ નહીં ગુજરાતની શ્રેષ્ઠ લાઈબ્રેરી બનશે. 

વોર્ડ નંબર સાતમા કોઈ લાઇબ્રેરી આવતી નથી : નરેન્દ્ર ભાઈ પાંડવ, કોર્પોરેટર , ભાજપ 

સુરતના મેયર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે વોર્ડ નંબર સાતમાં 70 કરોડના ખર્ચે માત્ર સુરતની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની ફર્સ્ટ નંબરની લાઇબ્રેરી બનવા જઈ રહી છે, ત્યારે આ અંગે આ વિસ્તારના કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડવ ને પૂછતા તેમને જણાવ્યું હતું કે વોર્ડ નંબર સાતમાં આવી લાઇબ્રેરી આવવાના કોઈ જ સમાચાર મારી પાસે નથી અને મને એવી કોઈ જ માહિતી નથી કે વોર્ડ નંબર સાતમાં લાઇબ્રેરી આવવાની છે.. ત્યારે સવાલ એ થાય છે કે મેયર દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે એમાં ખરેખર કેટલું સત્ય છે કે પછી મેયર માત્ર પોતાનો બચાવ કરવા માટે જ આવા ગપગોળા ચલાવી રહ્યા છે !

વોર્ડ નંબર સાતમાં શાળા જોઈએ : નરેન્દ્ર ભાઈ પાંડવ , ભાજપ કોર્પોરેટર, વોર્ડ નંબર 7

વોર્ડ નંબર સાતમાં શાળા બનાવવા માટે ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ મેદાને પડ્યા છે. જોકે તેઓ ખાસ આગ્રહ રાખી રહ્યા છે કે વોર્ડ નંબર સાતમાં એક સરકારી શાળા મળવી જોઈએ જેથી આ વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકોને શ્રેષ્ઠ અને સસ્તું શિક્ષણ પ્રાપ્ત થઈ શકે. અત્રે નોધાનીએ છે કે પાંડવ એ ભાજપના ફાયર બ્રાન્ડ નેતા છે અને તેમની છબી સ્વચ્છ નેતાની છે. બીજું કે તેઓ આ વિસ્તારના ખૂબ જ લોકપ્રિય નેતા ગણાય છે.

વોર્ડ નંબર 7 ની સોસાયટીના લોકોએ જ શાળા મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો : મેયર 

અત્રે નોંધનીય છે કે વોર્ડ નંબર સાતમાં બનનારી શાળા જે વિસ્તારમાં નિર્માણ પામવાની હતી તે વિસ્તાર માંના કેટલાક ભાજપ નેતાઓ સાથે ઘરોબો ધરાવનાર લોકો ની રજૂઆત સંદર્ભે આ શાળાનું સ્થળ બદલાયું હોવાની પણ ચર્ચાઓ છે. જ્યારે સ્થળ બદલવા અંગે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા મેયર ને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એવું જણાવ્યું હતું કે, વાંધા અરજીને સંદર્ભે શાળાનું સ્થળ બદલાયું છે. આ વિસ્તારના લોકોએ જ અહીં શાળાની કોઈ જરૂરિયાત નહીં હોવાનું જણાવ્યું હતું આ સ્ટેટમેન્ટ મેયર દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે ખરેખર આ વિસ્તારમાં રહેતા કોર્પોરેટર સાચા કે પછી મેયર સાચા એ તો પ્રજાએ નક્કી કરવાનું રહ્યું !