કાનાફૂસી: શું ખરેખર દેવ દિવાળી પછી સંગઠનમાં થશે નાના મોટા ફેરફાર ? જગદીશ વિશ્વકર્માએ શું આપ્યો છે સંકેત ?

કાનાફૂસી: શું ખરેખર દેવ દિવાળી પછી સંગઠનમાં થશે નાના મોટા ફેરફાર ? જગદીશ વિશ્વકર્માએ શું આપ્યો છે સંકેત ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : ગુજરાત ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગુજરાતના વિવિધ જિલ્લાઓનો પ્રવાસ ખેડીને સંગઠનને મજબૂત બનાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે બીજી બાજુ એવી પણ વાતો વહેતી થઈ હતી કે ગાંધીનગર કમલમ સુધી હવે JV ની સિસ્ટમ ચાલશે. ત્યારે એવી કાનાફુસી સાંભળવા મળી છે કે સંગઠનમાં પણ હવે નાના મોટા ફેરફારો થઈ શકે છે.

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પોતાના ભાષણોમાં કાર્યકરોને જ મહત્વ આપી રહ્યા છે ત્યારે આવનાર સમયમાં કામના આધારે હોદ્દા ની વાત કરીને તેમણે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે પક્ષમાં ચાપલુસી કરનારાઓ કરતા કામગીરી કરનારાઓ ને વધારે મહત્વ મળી શકે છે. જે જોતા એવું લાગે છે કે દેવ દિવાળી પછી તાલુકા અને જિલ્લા કક્ષાના સંગઠનોમાં નાના મોટા ફેરફારો આવી શકે છે. જેમણે માત્ર ચાપલુસી કરીને હોદ્દા મેળવ્યા છે એમને દૂર કરીને કામગીરીના આધારે હોદ્દાઓ આપવામાં આવે તો નવાઈ નહી !

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન એવા મહેસાણા જિલ્લાથી આ શરૂઆત થઈ શકે છે. મહેસાણા જિલ્લામાં જિલ્લા ભાજપ સંગઠનમાં આંતરિક કલહ અનેક વાર સપાટી પર આવતો જોવા મળ્યો છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં પણ સમય અગાઉ ભાજપમાં અંદરો અંદર આંતરિક કલહની ઘટનાઓ છાપાઓમાં ચર્ચાસ્પદ બની હતી. ત્યારે આવનાર સમયમાં સંગઠનમાં નાના મોટા ફેરફારોની શરૂઆત મહેસાણા થી થાય તો નવાઈ નહીં !