વડનગર : કેબિનેટ મંત્રીની હાજરીમાં સૂર્યનમસ્કાર કાર્યક્રમનો ફિયાસ્કો : શહેર પ્રમુખનું મોટું નિવેદન

વડનગર : કેબિનેટ મંત્રીની હાજરીમાં સૂર્યનમસ્કાર કાર્યક્રમનો ફિયાસ્કો : શહેર પ્રમુખનું મોટું નિવેદન

MNF News Network ( સુના સો ચુના ) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં નવા વર્ષની શુભ શરૂઆતમાં યોગ બોર્ડ દ્વારા હાટકેશ્વર મહાદેવ અને શર્મિષ્ઠા તળાવ ખાતે સૂર્યનમસ્કાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ મંત્રી અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાર્યકરોની પાંખી હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને તરેહ તરેહ ની અટકળો શરૂ થઈ હતી.

જાણવા મળતી વિગતો મુજબ વડનગર હાટકેશ્વર ખાતે કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સૂર્ય નમસ્કાર નો કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા જ કાર્યકરોની ઉપસ્થિતિ જોતા આરોગ્ય મંત્રી માત્ર ગણતરીના સમયમાં જ કાર્યક્રમ સ્થળેથી રવાના થઈ ગયા હતા. બીજી બાજુ શર્મિષ્ઠા તળાવ ખાતે યોજાયેલ સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં પણ કાર્યકરોની પાંખી હાજરી રહી હતી.

આ અંગે વડનગર શહેર ભાજપ પ્રમુખ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, શર્મિષ્ઠા બેટ ખાતે યોજાયેલ યોગ કાર્યક્રમમાં 50 જેટલા કાર્યકરો ઉપસ્થિત હતા બાકીના બાજુની શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. યોગ બોર્ડ દ્વારા માહિતી મળતા સાત વોર્ડમાંથી ચાર વોર્ડના કાર્યકરોને હાટકેશ્વર ખાતે હાજર રહેવા અને બાકીના ત્રણ વોર્ડના કાર્યકરોને સમીસ્થાબેટ ખાતે હાજર રહેવા જાણ કરી હોવાનું શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું.

કાર્યક્રમમાં કાર્યકરોની પાંખી હાજરી મુદ્દે પૂછતા શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, "યોગ બોર્ડ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેની જવાબદારી અધિકારીઓને સોંપવામાં આવી હતી. ત્રણ દિવસ પહેલા અમને જાણ કરાઈ હતી જે પ્રમાણે અમે કાર્યકરોને જાણ કરી હતી." 

અત્રે નોંધનીય છે કે શહેર પ્રમુખ દ્વારા જાણ કરવા છતાં પણ કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક કાર્યકરો અને શહેર સંગઠન વચ્ચે બરાબર તાલમેલ ન હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ મુદ્દે પૂછતા શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, દરેક કાર્યક્રમનો કાર્યકરોને મેસેજ આપવામાં આવે છે છતાં પણ તેઓ હાજર ન રહે એમાં અમે શું કરી શકીએ? છતાં પણ આમાં મારી કોઈ જવાબદારી થતી હશે તો પાર્ટી કહેશે એ સ્વીકારવા હું તૈયાર છું. મારા કારણે પાર્ટીને નુકસાન થતું હોય તો હું હોદ્દો છોડવા પણ તૈયાર છું પરંતુ ઇરાદાપૂર્વક જો કોઈ પાર્ટીને નુકસાન કરવા જઈ રહ્યું હોય તો તેમને ઓળખવા પણ જરૂરી છે."