Exclusive: ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ના વ્યક્તિત્વ સામે પૂર્વ ભાજપ નેતાએ કર્યા આકરા પ્રહાર : પાટીલ ની કરી પ્રશંસા
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : ગુજરાતમાં ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલ એટલે કે જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ કરાઈ છે ત્યારે 2027 માં આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં વિશ્વકર્મા ભાજપને ડુબાડશે કે તારશે તેને લઈને પણ અનેક અટકળો છે. તો બીજી બાજુ વિસાવદર થી ધારાસભ્ય બનેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે તે જોતા એવું લાગે છે કે 2027 ની ચૂંટણીમાં ભાજપ એ બહુમતી મેળવવા માટે મરણિયા પ્રયાસો કરવા પડે તો નવાઈ નહીં !
ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલ હતા ત્યારે સંગઠન પર તેમની મજબૂત પકડ હતી એટલું જ નહીં પરંતુ સરકાર અને સંગઠનને બેલેન્સ કરીને તેઓ કામગીરી કરી રહ્યા હતા. પરંતુ વિશ્વકર્મા વિશે પૂર્વ ભાજપના નેતા જય નારાયણ વ્યાસે જે નિવેદનો આપ્યા છે તે જોતા એવું લાગે છે કે કદાચ આવનાર સમયમાં જગદીશ વિશ્વકર્મા ભાજપ સંગઠનને અકબંધ રાખીને સરકાર સાથે તાલ મિલાવીને પ્રજાની અપેક્ષાઓમાં ખરા ઉતારશે કે કેમ ? સંગઠનમાં કાર્યકરોને પણ તેઓ સંતુષ્ટ રાખવામાં સફળ થશે કે કેમ ? જેવા અનેક સવાલો છે.
ભાજપમાં વર્ષો સુધી કામગીરી કરનાર અને ધારાસભ્યથી લઈને મંત્રી સુધીની જવાબદારી નિભાવનાર એવા પ્રખર રાજનેતા જય નારાયણ વ્યાસ ના વાયરલ વીડિયોમાં તેમણે આપેલા નિવેદન મુજબ જગદીશ વિશ્વકર્મા કરતા પણ સી આર પાટીલ ખૂબ જ સોફ્ટ વ્યક્તિત્વ હોવાનું તેમણે જણાવ્યું છે. વાયરલ વીડિયોમાં જય નારાયણ વ્યાસે જગદીશ વિશ્વકર્માના વ્યક્તિત્વ સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું છે, " જગદીશ વિશ્વકર્માએ એક આપખુદ શાહી વ્યક્તિત્વ છે તેમજ જાહેરમાં ભાષા વિવેક ને નહીં સમજનાર વ્યક્તિ છે." ત્યારે સવાલ એ થાય છે કે શું ખરેખર વિશ્વકર્માનું વર્તન એ તેમની રાજકીય કારકિર્દી ને યોગ્ય નહીં હોય કે શું ? જે હોય તે આવનાર સમય બતાવશે કે વિશ્વકર્મા રાજકીય કસોટીમાં કેટલા ખરા ઉતરશે ?
બીજી બાજુ હાલમાં સૌરાષ્ટ્ર માં આમ આદમી પાર્ટી પોતાનું સંગઠન દિનપ્રતિદિન મજબૂત બનાવી રહી છે, કારણ કે હાલમાં વરસાદને કારણે ખેડૂતોની જે કફોડી સ્થિતિ સર્જાઈ છે તેના પ્રત્યે સરકારની જે સંવેદના હોવી જોઈએ તેના અભાવને કારણે ખેડૂતોમાં જે આક્રોશ છે તેને લઈને આમ આદમી પાર્ટી ખેડૂતો પ્રત્યે પોતાની હમદર્દી દાખવીને ભાજપ પ્રત્યેના આક્રોશને પોતાની વોટ બેંકમાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરી રહી છે એમાં કેટલી સફળતા મળશે એ તો આવનાર ચૂંટણીઓ નું પરિણામ જ બતાવશે !