મંતવ્ય / નવરાત્રીમાં ગરબા ગાતી વખતે કઈ દિશામાં ફરવું જોઈએ ? જાણીને ચોંકી જશો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો લિખા ) : આજથી નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં પણ ગરબા રમવા માટે થનગણાટ જોવા મળી રહ્યો છે. જોકે મોટા શહેરોમાં તો નવરાત્રીના ત્રણ ચાર મહિના પહેલા જ ગરબાના ક્લાસ શરૂ થતા હોય છે જેમાં ખેલૈયાઓ જુદા જુદા સ્ટેપમાં ગરબા રમવાની પ્રેક્ટિસ કરતા હોય છે. જોકે હાલની જનરેશનમાં ગરબાના સ્ટેપ જે દિશામાં ફરવામાં આવી રહ્યા છે તેને લઈને એક સંસય ભર્યો સવાલ એ લોકોના મનમાં પેદા થઈ રહ્યો છે કે જે લોકોએ જુના દેશી ઢોલ ના તાલે થતાં ગરબા જોયા છે.
હાલમાં અનેક ઠેકાણે ગરબાના સ્ટેપ ઘડિયાળના કાંટાની ઉંધી દિશામાં ફરવામાં આવી રહ્યા હોય તેવું જોવા મળે છે જ્યારે એક જમાનો હતો જ્યારે ગરબા ના સ્ટેપ ઘડિયાળના કાંટાની દિશામાં ફરવામાં આવતા હતા. ત્યારે સવાલ એ થાય છે કે ખરેખર ગરબા ગાતી વખતે કઈ દિશામાં ફરવું જોઈએ ? આ મુદ્દે મોર્નિંગ ફોકસ દ્વારા કેટલાક લોકોનો મત જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે એવું જાણવા મળ્યું કે સમય પ્રમાણે બધું જ બદલાતું હોય છે ત્યારે હાલમાં જુદા જુદા વિસ્તારો પ્રાંતો માં ગરબા ગાવાની પદ્ધતિ જુદી જુદી જોવા મળી રહી છે પરંતુ શહેરોમાં ખાસ કરીને ઘડિયાળના કાંટાની ઉંધી દિશામાં હાલનો યુવાધન ગરબે રમતું વધારે જોવા મળે છે.
અત્રે નોંધનીય છે કે જુના અને પ્રાચીન દેશી ઢોલના તાલે ગવાતા ગરબાઓ ગામડાઓમાં આજે પણ જીવંત છે. જોકે ગામડાઓમાં પણ હવે કેટલાક ઠેકાણે નવી યુવા પેઢીમાં ગરબા ફરવાની દિશા બદલાતી જોવા મળી રહી છે. પરંતુ એક તર્ક એવો આવે છે કે ખરેખર ગરબા ગાવાની પદ્ધતિ એક પ્રકારે આદ્યશક્તિમાં જગદંબાની પ્રદક્ષિણા છે. શાસ્ત્રોમાં જ્યારે પણ પ્રદક્ષિણાનો ઉલ્લેખ થાય છે ત્યારે હંમેશા પ્રદક્ષિણા ઘડિયાળના કાંટાની દિશામાં જ ફરવામાં આવતી હોય છે. એટલું જ નહીં પરંતુ વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ પ્રદક્ષિણા હંમેશા ઘડિયાળના કાંટાની દિશામાં જ ફરાય છે ત્યારે ગરબાઓ પણ ઘડિયાળના કાંટાની દિશામાં ફરવામાં આવે તો અનુચિત શું છે ? આજની યુવા પેઢી એ ખરેખર આપણા પ્રાચીન ગરબા ની કથા અને મહત્વતાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આપણા પ્રાચીન ગરબાઓને જીવંત રાખવા માટે સંસ્કૃતિને અનુસરવું રહ્યું !