વિસનગર : કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું વતન માં ભવ્ય સ્વાગત : કાર્યકરોએ ફૂલવર્ષા અને આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ ) : વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ફરીથી કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યા બાદ તેમનું વિસનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મંત્રી તરીકે શપથ લીધા પછી, ઋષિકેશ પટેલે ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી તરીકેનો પદભાર વિધિવત રીતે સંભાળ્યો હતો.આ મહત્વપૂર્ણ જવાબદારી ગ્રહણ કર્યા બાદ તેઓ જ્યારે પોતાના મત વિસ્તાર વિસનગરમાં પરત ફર્યા, ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકરોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
મંત્રી ઋષિકેશ પટેલના આગમન સાથે જ વિસનગરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.ભાજપના હજારો કાર્યકરોએ એકઠા થઈને મંત્રીશ્રીને ફૂલોની વર્ષાથી વધાવી લીધા હતા. આ પ્રસંગે કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે ફટાકડા ફોડી અને આતશબાજી કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
ભાજપના તમામ કાર્યકરોએ મંત્રી ઋષિકેશ પટેલને ફુલહાર પહેરાવી અને શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. આ સાથે જ કાર્યકરોએ મંત્રીશ્રીને નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવી હતી.વિસનગરના ધારાસભ્યને ફરીથી રાજ્યની કેબિનેટમાં સ્થાન મળતાં ભાજપના કાર્યકરોમાં આનંદ જોવા મળ્યો હતો.
આ કાર્યકરોએ ગુજરાતના મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો કે તેમણે વિસનગરના જનપ્રતિનિધિ પર ફરી એકવાર વિશ્વાસ મૂક્યો અને તેમને સરકારમાં મહત્વનું સ્થાન આપ્યું.