મહેસાણા : મ્યુનિસિપલ કમિશ્નરનો યુવાનો માટે મહત્વનો નિર્ણય : દેશ અને દુનિયામાં વાગશે ડંકો

મહેસાણા : મ્યુનિસિપલ કમિશ્નરનો  યુવાનો માટે મહત્વનો નિર્ણય : દેશ અને દુનિયામાં વાગશે ડંકો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( મૌલિક પટેલ - બ્યુરોચીફ, મહેસાણા) : આજના આધુનિક જમાનામાં શહેરીકરણ નો પ્રભાવ વધ્યો છે ત્યારે શહેરી વિસ્તારોમાં વાહનોની સતત અવરજવર તેમજ અન્ય અવાજ પ્રદુષણને કારણે વાંચન પ્રેમીઓને શાંત વાતાવરણ માટે હંમેશા તલાશ રહેતી હોય છે ત્યારે આવા વાંચન પ્રેમીઓને શાંતિમય માહોલ મળી રહે તે માટે વિવિધ શહેરોમાં નાના મોટા પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવે છે. મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર રવિન્દ્ર ખટલે ના માર્ગદશન હેઠળ પાલિકાએ વિવિધ વિસ્તારોમાં પાંચ જેટલા આધુનિક પુસ્તકાલય બનાવવાનો નિર્ણય લીધો છે, જેને લઈને મહેસાણાના વાંચન પ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને યુવાનોમાં આનંદની લાગણી છવાઈ છે.

પુસ્તકાલય માત્ર પુસ્તકોનું ભંડાર નહિ પરંતુ જ્ઞાન, સંવાદ અને સર્જનાત્મકતા માટેનું એક સજીવન કેન્દ્ર બનશે. આ પુસ્તકાલયો વિદ્યાર્થી ઓ અને યુવાનો માટે વિવિધ ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી બનાવવા માટેનું એક ઉત્તમ માધ્યમ સાબિત થશે "  - હરિભાઈ પટેલ સાંસદ, મહેસાણા

“આ પુસ્તકાલય શહેરના નાગરિકો માટે જ્ઞાનનો સ્રોત બનશે તેમજ યુવાનોને વાંચન અને સંશોધન તરફ આકર્ષિત કરશે.” - શારદાબેન પટેલ, પૂર્વ સાંસદ , મહેસાણા

મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર દ્વારા મહેસાણા નગરના વાંચન પ્રેમીઓ વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા યુવાનોને સંપૂર્ણ શાંત વાતાવરણમાં વાંચન માટેની યોગ્ય વ્યવસ્થા મળી રહે તે હેતુસર શહેરના વિવિધ ભાગોમાં પાંચ જેટલા આધુનિક પુસ્તકાલયનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે જેમાં રાધનપુર રોડ, મોઢેરા રોડ, અંબાજી પરા વિસ્તાર માં આધુનિક પુસ્તકાલય બનશે. તદુપરાંત હાલમાં મહાશક્તિ ગ્રાઉન્ડ અને ટીબી રોડ પર આવેલ સિવિક સેન્ટરોમાં પુસ્તકાલયો ની કામગીરી અંતિમ તબક્કામાં છે. દરેક પુસ્તકાલયમાં 100 થી વધારે વાંચન પ્રેમીઓ બેસી શકે તેવી આધુનિક વ્યવસ્થાઓ થી આ પુસ્તકાલય સજ્જ હશે.

કઈ સગવડોથી સજ્જ હશે આ પુસ્તકાલયો ? 

મહાશક્તિ ગ્રાઉન્ડ, ટીબી રોડ પર આવેલા મનપાના સિવિક સેન્ટરની ઉપર, રાધનપુર રોડ પર, મોઢેરા રોડ પર અંબાજી પરા વિસ્તાર અને માનવ આશ્રમ ચાર રસ્તા વિસ્તારમાં. ઈ લાઇબ્રેરી, ન્યૂઝ પેપર વાંચવા માટેનો કોમન એરિયા, ફાયર સેફ્ટી, સીસીટીવી કેમેરા, વાઈફાઈ સિસ્ટમ, એસી હોલ, ગ્રુપ સ્ટડી ટેબલ, યુવક યુવતી માટેના અલગથી વોશરૂમ, મિનરલ વોટર કુલર, લાઈટ પોઈન્ટ ચાર્જિંગ પોઈન્ટ અને સ્ટોરેજ વ્યવસ્થા સાથેનું સ્ટડી ટેબલ અને સોલાર પેનલથી સજ્જ હશે.