પુસ્તકો વાંચો તો મસ્તકો વાંચતાં આવડી જાય

પુસ્તકો વાંચો તો મસ્તકો વાંચતાં આવડી જાય

Mnf network: જીવન પૂર્ણ ત્યારે થશે જ્યારે તમે કોઈથી ડરો નહીં અને કોઈને ડરાવો નહીં. સુખી જીવનનો શ્રેષ્ઠ રસ્તો છે તો એના પછી બીજા નંબરે આવે છે, ભગવદ્દપાઠ કરો.જીવનમાં દરરોજ જેટલો થઈ શકે એટલો માનસ અને ગીતાનો પાઠ કરો. ભારતના ત્રણ મહાગ્રંથોમાં મહાભારત, ભાગવત અને રામાયણ આવે. મહાભારત નીતિનો ગ્રંથ છે, તો ભાગવત પ્રીતિનો ગ્રંથ અને રામાયણ નીતિ અને પ્રીતિ બન્નેનો ગ્રંથ છે.

કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને સંબોધીને વિશ્વને શ્રીમદ્ ભગવતગીતા જેવો અમૂલ્ય ગ્રંથ આપ્યો, જે હિન્દુ ધર્મની આધ્યાત્મિક ઊંચાઈ અને ઊંડાઈનો પરિચય છે. એનું નિયમિત પઠન સુખી જીવનનો શ્રેષ્ઠ માર્ગ છે.  જો સુખી જીવન જોઈતું હોય તો નિયમ બનાવો, ક્યારેય કોઈની નિંદા કે ઈર્ષ્યા કરશો નહીં. જીભથી કોઈની નિંદા ન થાય અને જીવથી કોઈની ઈર્ષ્યા ન થાય. જો જીભ અને જીવને કાબૂમાં લઈને નિંદા અને ઈર્ષ્યાને દૂર કરી નાખ્યા તો તમે સદા સુખી.માણસે દિવસે નિંદાથી અને રાતે નિદ્રાથી દૂર રહેવું એ સાધનાના માર્ગની પ્રથમ શરત છે. વિનોબાએ સાધકનાં પાંચ શીલ એટલે કે પાંચ સદ્ગુણો કહ્યાં છે અને વર્ણવ્યું છે કે માણસ સહનશીલ, સંવેદનશીલ, સર્જનશીલ, સ્વપ્નશીલ અને સત્યશીલ હોવા જોઈએ. માણસમાં આ પાંચ સદ્ગુણો ત્યારે પૂર્ણપણે ખીલે જ્યારે તે નિંદા અને ઈર્ષ્યાથી દૂર રહે.

યાદ રાખજો, મૌન જીભનું બ્રહ્મચર્ય છે. મૌન વક્તાને બહુ મોટી ઊર્જા આપે છે. જેને નાચતા આવડે તેને ગાવાની જરૂર નથી. જેને સારું ગાતા આવડે તેને વચ્ચે બોલવાની જરૂર નથી, પણ જેને સારું બોલતા શીખવું હોય તેણે બીજા વક્તાઓને-ચિંતકોને સાંભળવા અને વાંચવા જોઈએ. પુસ્તકો વાંચશો તો મસ્તકો વાંચતાં આપોઆપ આવડી જશે. માણસ જ્યારે સાંભળે કે વાંચે છે ત્યારે આપોઆપ મૌન થઈ જતો હોય છે. જીવનમાં ક્યારેક મૂક તો ક્યારેક બધિર બની જવું લાભદાયક હોય છે.