ઊંઝા : APMC પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલની મહેનત રંગ લાવી : વેપારીઓને થશે કરોડો નો ફાયદો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ ) : ઊંઝા એપીએમસી એ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. ખાસ કરીને મરી મસાલા ના એક્સપોર્ટ માટે જાણીતું બજાર છે. જીરુ અને વરિયાળી જેવી ઉપજ વેચવા માટે અહીં ગુજરાત તેમજ બહારના રાજ્યમાંથી પણ ખેડૂતો આવે છે.
જીરુ અને વરિયાળી ઊંઝામાંથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે. ત્યારે વેપારીઓને એક્સપોર્ટ કરવા માટેનો ખર્ચ ખૂબ જ મોંઘો પડતો હતો. જેને લઈને જે તે સમયે ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલે રેલવે વિભાગમાં કન્ટેનર યાર્ડ બનાવવા માટે રજૂઆત કરી હતી. ત્યારે તાજેતરમાં અદાણી પોર્ટની ભાગીદારી થી ઉત્તર ગુજરાતમાં ઊંઝા ખાતે કન્ટેનર યાર્ડ બનાવવાની જાહેરાત થતા વ્યાપારીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઊંઝા એપીએમસી ના પૂર્વ ચેનલ દિનેશભાઈ પટેલ જ્યારે રેલવે સંબંધિત DRUCC અમદાવાદ ડિવિઝનમાં સભ્ય હતા ત્યારે તેમણે બીજા સાથે કન્ટેનર યાર્ડ બનાવવા માટે રેલવે વિભાગમાં રજૂઆતો કરી હતી જેના સંદર્ભમાં રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ એ ઊંઝા એપીએમસી ખાતે બે થી ત્રણ વાર મુલાકાતો લઈ વેપારીઓ સાથે પણ મીટીંગો કરી હતી. ત્યારે દિનેશભાઈ પટેલની આ રજૂઆત હવે રંગ લાવી છે.
તાજેતરમાં ઊંઝા માર્કેટયાર્ડ ને ધ્યાન માં રાખી ઉત્તર ગુજરાત માં ઊંઝા રેલવે સ્ટેશને કન્ટેનર યાર્ડ બનાવવા નો નિર્ણય કરાયો છે. ઊંઝા રેલવે સ્ટેશન થી મુન્દ્રા પોર્ટ ખાતે આગામી 26 ફેબ્રુઆરી ના રોજ માલ સામાન ભરેલા કન્ટેનર ની પ્રથમ રેલવે રેક મોકલવા માં આવનાર છે.