સુરત : AAP ના નગર સેવકે લોકો સાથે મળી બિસ્માર રોડ ને મેયરના નામ પરથી ' બોઘાવાલા રોડ ' નામ કેમ આપ્યું ? કારણ છે ચોંકાવનારું
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સુરતમાં આજે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ચારના કોર્પોરેટરે લોકો વચ્ચે જઇને અનોખો કાર્યક્રમ કરતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કાપોદ્રા વિસ્તારમાં શ્રીજી સોસાયટી રોડથી ઓળખાતા માર્ગને મેયર હેમાલી બોઘાવાલા નામ આપ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો જોડાયા હતાં. વર્ષોથી તેમની માંગ પૂર્ણ ન થતા લોકોમાં પણ સત્તાપક્ષને લઈને ભારે નિરાશા જોવા મળી રહી હતી.
આ અંગે આપ દ્વારા જણાવાયું કે, કાપોદ્રા વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓના રહીશો બિસ્માર રસ્તાને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં તેમનો પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. નીલકંઠ સોસાયટી, ચંચલ નગર, કમલ પાર્ક, શ્રીજી સોસાયટી,મરઘાં કેન્દ્ર વિસ્તારના રહીશોને ભારે હાલાકી થતી હતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે પોતાના વિસ્તારના કામ સરળતાથી થઈ જાય અને મેયર અને તેનું શ્રેય મળે તેવા હેતુથી બિસ્માર રસ્તાને મેયરના નામથી ઓળખવા માટે નવું નામ આપ્યો હતો. બિસ્માર રસ્તાને ઝડપથી નવીનીકરણ પ્રક્રિયામાં લઈને સ્થાનિક લોકો માટે સુવિધા કરી આપે તો સમગ્ર કામ માટે શ્રેય શહેરના મેયરને આપવા માટે લોકો ઉત્સાહિત દેખાયા.
આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર ધર્મેન્દ્ર ભાઈએ જણાવ્યું કે, ભાજપના નેતાઓ નામના અને પોતાના ફોટા લગાવવા ઈચ્છા હોય છે. તેઓ માત્ર અને માત્ર શ્રેયના ભૂખ્યા છે, ઓછું કામ કરીને વધુ બતાવી વાહ-વાહી લૂંટવામાં ભાજપ સૌથી આગળ છે. બિસ્માર રસ્તો ઝડપથી બની જાય તે માટે અમે આ રસ્તાને મેયરના નામથી સંબોધિત કરવાનું શરૂ કર્યું છે. જેથી મેયર હેમાલીબેન બોઘાવાલા ખૂબ રાજી થાય અને અમારી આ મુશ્કેલીનું નિરાકરણ લાવે.