વિસરાતી જતી રમત : લખોટી

વિસરાતી જતી રમત : લખોટી

Mnf network:  લખોટી આપણી પ્રાચીન વિસરાતી જતી રમત છે. લખોટીની રમત ક્યારે શરૂ થઇ હતી એ અંગે સ્પષ્ટપણે માહિતી મળતી નથી, પરંતુ પ્રાચીન યુગમાં માટી અને પથ્થરની ગોળી બનાવીને લોકો રમતા હતા, એવા પુરાવા મળી આવ્યા છે. આ રમત નિશાનાબાજી પર રમાતી હોય છે. લખોટી રમવા માટે ખાસ કોઇ વધારે સામગ્રીની જરૂર પડતી નથી. તેને રમવા માટે બે અથવા બેથી વધારે લોકોની જરૂર પડે છે.

જેમાં બે ટીમ હોય છે. એક વર્તુળ દોરીને અંદર બહુબધી લખોટી મૂકવામાં આવે છે. પછી ડાબા હાથની તર્જની આંગળી દબાવીને ધનુષના તારની જેમ પાછળ ખેંચવામાં આવે છે, જેથી લખોટી ઝડપથી જાય છે અને વર્તુળની અંદર રહેલી લખોટીને મારીને વર્તુળમાંથી લખોટી બહાર નીકળી જાય છે. આ રીતે જે ટીમ પાસે વધારે લખોટી હોય છે, તે ગેઇમ જીતી જાય છે.

લખોટીનો ઉપયોગ કરીને અનેક અલગ અલગ પ્રકારની રમત રમવામાં આવે છે. જેમ કે, જમીન પર એક નાનકડું ગોળ બનાવવામાં આવે છે. પછી બે હાથનું અંતર રાખીને એક રેખા એટલે કે લાઇન દોરવામાં આવે છે. પછી નાનું ગોળ બનાવ્યું ત્યાંથી મુઠ્ઠી ભરીને લખોટીઓને રેખા દોરી એને પેલે પાર ફેંકવાની હોય છે. પછી બીજા સાથી દ્વારા બતાવવામાં આવેલી કોઈ પણ લખોટી ઉપર નિશાન લગાવવાનું હોય છે. એ દરમિયાન એક લખોટીને આંગળીના ઉપરના ભાગમાં છોડીને નિશાન લગાવવામાં આવે છે. પહેલી વખતમાં જ નિશાન લાગી ગયું તો ફરીથી એ જ ખેલાડી નિશાન તાકશે. નિશાન ચૂકી જાય તો બીજા ખેલાડીનો વારો આવે છે. અમુક રમતમાં ખેલાડી જેટલી લખોટી ઉપર નિશાન તાકે છે, એ બધી જ લખોટી તે જીતી જાય છે. જે ખેલાડી વધારે લખોટી જીતે છે એ ગેઇમ જીતી જાય છે.