મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથે Exclusive ઇન્ટરવ્યૂ : ઊંઝામાં હવે 'વિકાસવાદ'ની નવી રાજનીતિનો ઉદય
Exclusive ઇન્ટરવ્યૂ : ચૂંટણી એ વ્યક્તિ- વ્યક્તિ વચ્ચેની નહિ બલ્કે વિચારધારાની લડાઈ : કે કે પટેલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : ઊંઝા વિધાનસભા સીટ પર 51221 ની લીડ મેળવીને એક નવો રેકોર્ડ બનાવનાર ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવાર કિરીટકુમાર પટેલે એક નવો ઇતિહાસ રચ્યો છે. કરોડપતિ હોવા છતાં પણ સ્વભાવે ખૂબ જ સરળ અને સાદગી ભર્યું જીવન જીવનારા કિરીટ પટેલ એક શિક્ષણ પ્રેમી વ્યક્તિ છે. જેઓ ઊંઝા ની અગ્રણી શૈક્ષણિક સંસ્થા નું સુકાન સંભાળી રહ્યા છે. ત્યારે જીત બાદ ઊંઝા વિધાનસભા માં સમાવિષ્ટ ઊંઝા શહેર તાલુકા તેમજ વડનગર શહેર અને તાલુકાના વિકાસ માટે કેવી રીતે આગળ વધશે તેને લઈને તેમણે મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથે વાતચીત કરી હતી.
ઊંઝામાં 32 વર્ષની ઐતિહાસિક લીડ
વિજેતા બન્યા બાદ કે કે પટેલે સૌ મતદારો ઉપરાંત ભાજપના કાર્યકરો અને સંગઠન નો માન્યો આભાર.
મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની એક્સક્લુસિવ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, " પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના 'સૌનો સાથ, સૌનો વિકાસ ' ના સૂત્રને આપણે ખરા અર્થમાં સાર્થક કરવાનું છે. ત્યારે ઊંઝા વિધાનસભા વિસ્તારના તમામ વર્ગ અને સંપ્રદાયના લોકોને સાથે લઈને આ વિધાનસભા ક્ષેત્ર ની વિકાસની યાત્રાને બુલેટ ટ્રેન જેટલી સ્પીડે આગળ વધારવાની છે. આ વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્યની સગવડો મહત્તમ ઉપલબ્ધ થાય તે દિશામાં નોંધપાત્ર કદમ ઉઠાવવામાં આવશે."
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, " માત્ર શહેરો જ નહીં પરંતુ ગામડાઓના વિકાસ માટે પણ એક ચોક્કસ પ્રકારની નીતિ તૈયાર કરવામાં આવશે. જૂથવાદના રાજકારણથી ઉપર ઊઠીને વિકાસ વાદના રાજકારણને વેગ મળે તે માટે હંમેશા કટિબદ્ધ રહીશું." ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોડ -રસ્તા, ગટર વ્યવસ્થા, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ પર કામગીરી કરવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, " ગુજરાતમાં સૌથી પહેલા ઊંઝા તાલુકો 24 કલાક વીજળી થી ચમકતો થયો હતો, ત્યારે હવે આ વિસ્તારને સૌર ઊર્જાના ઉપયોગમાં પણ પ્રથમ નંબર ઉપર લઈ જવાના પ્રયત્નો કરાશે."
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનું વતન વડનગર પણ ઊંઝા વિધાનસભા મત ક્ષેત્રમાં આવે છે ત્યારે આ ઐતિહાસિક નગરી વડનગરના વિકાસ માટે સતત કટિબદ્ધ રહીશું અને પ્રવાસન ક્ષેત્રે પણ વડનગરને વેગ મળે તે દિશામાં કામગીરી હાથ ધરાશે. ઉપરાંત ઊંઝા એ કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાની ધાર્મિક નગરી છે. ત્યારે આ નગરમાં આવતા શ્રદ્ધાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં પણ સૌ સાથે મળીને આગળ વધીશું. " ઊંઝા વિધાનસભા ક્ષેત્રની જનતાએ વિશ્વાસ મૂકીને જે જીત અપાવી છે તે બદલ તેમણે સૌ મતદારો, કાર્યકરો અને સંગઠન નો આભાર વ્યક્ત કર્યો હતો.