MLA સ્વ.ડો.આશાબેન પટેલનો શિક્ષણપ્રેમ સદૈવ જીવંત રહેશે : અંતે ઊંઝાની આ કોલેજને 'ડો.આશાબેન પટેલ સરકારી વિજ્ઞાન કોલેજ' નામ અપાયું
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ઊંઝાનાં સક્રિય અને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા સ્વ.ડો. આશાબેન પટેલ ના પ્રયત્નોથી સમય અગાઉ ઊંઝામાં સરકારી વિજ્ઞાન કોલેજ મંજુર થઇ હતી .જે વિજ્ઞાન કોલેજ માં હાલમાં આશરે ૨૬૦ જેટલા વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ કોલેજને કાર્યરત કરવા માટે ઉંઝા એપીએમસી દ્વારા પણ ઘણો મોટો સહયોગ આપવામાં આવ્યો છે.
જોકે ઊંઝા વિસ્તારની સૌથી મોટી શૈક્ષણિક સગવડ ઉભી કરનાર ડો.આશાબેન પટેલ નું થોડાંક સમય પૂર્વે નિધન થતાં આ વિસ્તારના લોકોમાં ખુબ જ દુઃખની લાગણી ફેલાઇ હતી. ત્યારે ડો.આશાબેન પટેલે તેમની સક્રિય કામગીરી ને લઇને ટૂંક સમયમાં મેળવેલી સફળતા ને કારણે લોકોમાં તેઓ ખૂબ જ લોકપ્રિય રહ્યાં હતાં જેને કારણે ડો. આશાબેન પટેલ ના પ્રયત્નોથી મંજૂર થયેલી આ સરકારી વિજ્ઞાન કોલેજ ને ડો. આશાબેન પટેલ ના નામ સાથે જોડવાની તીવ્ર માંગ ઉઠી હતી અને સરકારમાં પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
ત્યારે સરકારે આ વિસ્તારના લોકોની આ માગણીને ધ્યાનમાં લઈને ઊંઝાની આ સરકારી વિજ્ઞાન કોલેજ ને ડો. આશાબેન પટેલ ના નામકરણ સાથે જોડવાની મંજૂરી આપતા આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકારી વિજ્ઞાન કોલેજ ઊંઝા ને હવે "ડો. આશાબેન પટેલ સરકારી વિજ્ઞાન કોલેજ" નામાભિધાન કરાયું છે. એટલે કે ભલે ડો. આશાબેન પટેલ હયાત ન હોય પરંતુ તેમના કાર્યોની સુવાસ સતત જીવંત રાખવા માટે સરકારી વિજ્ઞાન કોલેજ ને તેમના નામ સાથે જોડવામાં આવી છે. જેને લઇને ઊંઝાની તમામ સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.