ઊંઝા : યુવા નગર સેવકે ઝડપ્યું ઇ-સ્ટેમ્પઇંગ કૌભાંડ : 50 ના સ્ટેમ્પના 80 વસૂલવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ, જાણો સમગ્ર મામલો

ઊંઝા : યુવા નગર સેવકે ઝડપ્યું ઇ-સ્ટેમ્પઇંગ કૌભાંડ : 50 ના સ્ટેમ્પના 80 વસૂલવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ, જાણો સમગ્ર મામલો

ઊંઝા મામલતદાર કચેરીમાં આવેલ ATVT કેન્દ્રમાં 30 ના ઇ-સ્ટેમ્પના 80 અને 300 ના 330 લેવાતા હતા

અગાઉ પણ ઊંઝા મામલતદાર કચેરીનું ગુજરાતનું સૌથી મોટું રાશન કૌભાંડ ઝડપાયું હતું.

કૌભાંડમાં સપડાયેલ કર્મચારીઓને કોના આશીર્વાદ એ અંગે  ચર્ચાઓ

સમય અગાઉ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરાઈ પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ સરકારે કોઈ તપાસ કે પગલાં ભરવાની તસ્દી લીધી નથી.

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  ભાજપનું શાસન એ ભ્રષ્ટાચાર નો પર્યાય છે જેનો પ્રતીતિ કરાવતો કિસ્સો તાજેતરમાં ઊંઝા માંથી બહાર આવ્યો છે. જેમાં ઊંઝા મામલતદારના એટીવીટી કેન્દ્રમાં એજન્સીના કર્મચારી દ્વારા ઇ-સ્ટેમ્પ ના મૂળ કિંમત કરતાં વધારે નાણાં ઉઘરાવવાનું કૌભાંડ ઊંઝાના જાગૃત અને કાર્યક્ષમ યુવા નગરસેવક ભાવેશ પટેલે ઝડપી પાડ્યું છે. ઇ-સ્ટેમ્પિંગ ના વધુ નાણાં ઉઘરાવવાનું આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું ? કોના આશીર્વાદથી ચાલતું હતું ? તે એક મોટો યક્ષપ્રશ્ન છે.

ઊંઝા નગરપાલિકાના સૌથી નાની વયના યુવા કોર્પોરેટર ભાવેશ પટેલના જણાવ્યા મુજબ તેમણે જ્યારે ઊંઝા મામલતદાર કચેરીમાં આવેલ એટીવીટી વિભાગની મુલાકાત લીધી ત્યારે તેમને જાણવા મળ્યું કે ઈ-સ્ટેમ્પીંગ આપનાર ATVT એજન્સીના કર્મચારી દ્વારા મૂળ કિંમત કરતાં વધુ નાણાં પડાવવામાં આવી રહ્યાં હતાં. 50 રૂપિયાના ઈ-સ્ટેમ્પીંગ ના 80 ઉઘરાવવામાં આવતા હતા. જેની જાણ થતાં જ ભાવેશ પટેલે સમગ્ર મામલે મામલતદારને ફરિયાદ કરી હતી. જેથી મામલતદારે એજન્સીના આ કર્મચારીને બોલાવીને ઠપકો આપ્યો હતો.

અપક્ષના નગર સેવક ભાવેશ પટેલે ઇ-સ્ટેમ્પિંગ ના વધુ નાણાં પડાવવા ના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ અરજદારોને તેમના પૈસા પાછા આપવામાં આવ્યા હતા. જોકે મામલતદાર દ્વારા એજન્સીના આ કર્મચારીને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પરંતુ સવાલ એ થાય છે કે કોના આશીર્વાદથી આવા કર્મચારીઓમાં લોકો પાસે ઈ-સ્ટેમ્પીંગ ના મૂળ કિંમત કરતાં વધુ નાણાં પડવાની હિંમત આવતી હોય છે એ પ્રશ્ન ને લઈને અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

અત્રે નોંધનીય છે કે ઊંઝા મામલતદાર કચેરીમાંથી સમય અગાઉ ગુજરાતનું સૌથી મોટું રાશન કૌભાંડ ઝડપાયું હતું. આ રાશન કૌભાંડ ઝડપી પાડનાર પોલીસ ઈન્સ્પેકટરની બઢતી આપીને બદલી કરી દેવામાં આવી હતી. તેમજ આ રાશન કૌભાંડ ના જવાબદાર અધિકારીઓ સામે પણ કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા ન હતા. એટલું જ નહીં પરંતુ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી ઊંઝા મામલતદાર કચેરીની ફરિયાદ પહોંચી હતી પરંતુ તેનું કોકડું વળી દેવામાં આવ્યું હતું ત્યારે તાજેતરમાં વધુ એક ઇ-સ્ટેમ્પિંગ કૌભાંડ ઝડપાતા અનેક સવાલો ઉઠયા છે.