ઊંઝા નગરપાલિકાનો મહત્વનો નિર્ણય : શહેરીજનોને મળશે હવે ડિજીટલ સુવિધાઓ !

ઊંઝા નગરપાલિકાનો મહત્વનો નિર્ણય : શહેરીજનોને મળશે હવે ડિજીટલ સુવિધાઓ !

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : વિજ્ઞાન અને ટેકનોલોજી ના જમાનામાં હવે નગરપાલિકાઓ પણ ડિજિટલાઇઝેશન ના માર્ગે આગળ વધી રહી છે.ત્યારે ઊંઝા નગરપાલિકા પ્રમુખ રીન્કુબેન પટેલ તેમજ ડિજિટલ કમિટીના ચેરમેન દીક્ષિતભાઈ પટેલ અને તમામ કોર્પોરેટરો એ સાથે મળીને ઊંઝા નગરપાલિકાને ડિજિટલ બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. આ અંગે તાજેતરમાં ઊંઝા નગરપાલિકાના ડિજિટલ કમિટીના ચેરમેન અને દીર્ઘદ્રષ્ટા એવા નગરસેવક  દિક્ષીતભાઈ પટેલ ના અધ્યક્ષસ્થાને ડિજીટલાઇઝેશન અને ટ્રાન્સપોર્ટેશન કમિટીની મીટીંગ મળી હતી જેમાં નગર વિકાસ અને જનહિત માટે અનેકવિધ મુદ્દાઓની ચર્ચા થઈ. 

ચર્ચા ના મહત્વના મુદ્દા

(૧) ઊંઝા શહેરમાં સી.સી. કેમેરા લગાવવા બાબતે જેથી કરીને નગરમાં ગુનાખોરીનું પ્રમાણ અટકાવી શકાય 

(૨) નગરપાલિકાના બધા જ વાહનો GPS સિસ્ટમથી જોડવામાં આવે જેથી વાહનોનો થતો દુરૂપયોગ રોકી શકાય.

(૩) ડિજીટલ નગરપાલિકા બનાવવા અંતર્ગત કિયોસ્ક સિસ્ટમ ખરીદ કરવાની પણ ચર્ચા થઈ.

(૪) આકારણી માટે ડિજીટલ મીટર ખરીદ કરવા બાબતે જેથી પારદર્શક આકારણી થઈ શકે.

(૫) પાણી પુરવઠા તથા ગટર યોજના માટે ડિજીટલ સિસ્ટમ વસાવવા બાબતે પણ સૂચન કરવામાં આવ્યું જેનાથી પાણીનો બગાડ થતો અટકે, વીજળીની બચત થાય અને નગરપાલિકાને આર્થિક ફાયદો થાય.

(૬) નગરપાલિકાના તમામ ડોક્યુમેન્ટ સ્કેનીંગ તથા ડિજીટલ કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું. જેથી નાગરિકોના પાલિકાને લગતા તમામ દસ્તાવેજોનો લાંબા સમય સુધી જાળવણી કરી શકાય.

આ અંગે ઊંઝા નગરપાલિકાના પ્રમુખ રીન્કુબેન પટેલે જણાવ્યું હતું કે, "ઊંઝા નગર એ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર ધરાવતું નગર છે. અહીં કડવા પાટીદારોની કુળદેવી માં ઉમિયા નું પવિત્ર મંદિર આવેલું છે. જેને લઈને લાખો શ્રદ્ધાળુઓ દિન પ્રતિદિન દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે ઊંઝા નગરપાલિકા દ્વારા ઊંઝા નગરવાસીઓને વધુમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે નગરપાલિકા હંમેશા કટિબદ્ધ રહે છે."

ઊંઝા નગરપાલિકાના ડિજિટલ કમિટીના ચેરમેન દીક્ષિતભાઈ પટેલે જણાવ્યું હતું કે, " ઊંઝા નગરપાલિકાને ડિજિટલ બનાવવા માટે તમામ શક્ય એટલા પ્રયત્નો હાથ ધરવામાં આવશે અને સમગ્ર શહેરમાં હવે ડિજિટલ કેમેરા લગાવવામાં આવશે."  અત્રે નોંધનીય છે કે દિક્ષીતભાઈ એક શિક્ષિત અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા યુવા કોર્પોરેટર છે. તેમના દરેક પ્રયત્નો હંમેશા નગરહિતના સંદર્ભમાં જ થતા હોય છે. ત્યારે ઊંઝા ને ડિજિટલ બનાવવાના નગરપાલિકાના નિર્ણયને ચારે તરફથી આવકાર મળી રહ્યો છે અને નગરજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.