ઊંઝા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મણિલાલ પટેલ (ઘી વાળા) ના ગેરકાયદે બોધકામ મામલે ચીફ ઓફિસરે નોટીસ ફટકારી : રાજકારણ ગરમાયુ
રહેણાક વિસ્તારમાં પૂર્વ પ્રમુખે પુત્ર અને પુત્રવધુ ના નામે કોમર્શિયલ બાંધકામ કર્યું હોવાની અરજીના સંદર્ભમાં ચીફ ઓફિસરે પૂર્વ પ્રમુખને નોટિસ ફટકારી
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝામાં આવેલી જય વિજય સોસાયટી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચાસ્પદ બની છે. થોડાક સમય પહેલા જય વિજય સોસાયટી માં ગણેશ આર્કેડ નામનું કોમર્શિયલ બિલ્ડીંગ વિવાદમાં આવ્યું હતું. જોકે આ ગણેશ આર્કેડ બિલ્ડીંગ પણ બિન પરવાનગી વાળુ ગેરકાયદે હોવાના સમાચારો થોડો સમય મીડિયામાં ચર્ચાસ્પદ બન્યા હતા પરંતુ પાછળથી કોણ જાણે કેમ આ મુદ્દા પર પર અધિકારીઓ કે સત્તાધીશો દ્વારા ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો.
ત્યારે એકવાર ફરીથી જય વિજય સોસાયટી માં પાલિકાના પૂર્વ પ્રમુખ મણિલાલ ઘીવાળા ના પુત્ર અને પુત્રવધુ ના નામે ગેરકાયદે કોમર્શિયલ બિલ્ડીંગ હોવાની ફરિયાદ થતાં ઊંઝા નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસરે તેમને પટેલ અમિતભાઇ મણિલાલ ના નામે નોટિસ ફટકારી છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે બાંધકામ ના પુરાવા રજૂ કરવામાં કસૂરવાર થશો તો બાંધકામ ની માલિકી ધરાવનાર વ્યક્તિ ના સ્વખર્ચે આ બાંધકામ તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઊંઝા નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ઊંઝા જય-વિજય સોસાયટીમાં પૂર્વ પ્રમુખ મણિલાલ ઘી વાળા એ તેમના પુત્ર અને પુત્રવધુ ના નામે બિન પરવાનગી અને અનઅધિકૃત બાંધકામ કર્યું હોવાની અરજી ગોવિંદભાઈ પટેલે નગરપાલિકામાં કરી હતી. જોકે આ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ બેંક તથા વીમા કંપનીને ભાડે આપેલ હતું. જેને લઇ ચીફ ઓફિસરે આ બિલ્ડીંગ ના તમામ પુરાવાઓ તાત્કાલિક અસરથી રજૂ કરવા માટે નોટિસ ફટકારી છે. જેને લઈ ઊંઝાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
અત્રે નોંધનીય છે કે જય વિજય સોસાયટી માં ગણેશ આરકેડ નામના ગેરકાયદે બિલ્ડિંગના બાંધકામમાં પાલિકાના જ પૂર્વ ઉપ-પ્રમુખ રાકેશ જેપીની સંડોવણી બહાર આવી હતી. જેથી તેમને તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. આમ ઊંઝામાં પાલિકાના હોદ્દેદારો દ્વારા જ આવા ગેરકાયદે બાંધકામો કર્યા હોવાના કિસ્સાઓ બહાર આવતા આ બાબતમાં તટસ્થ તપાસ કરવાની જરૂર જણાઈ રહી છે. જોકે સ્થાનિક સ્વરાજની નગરપાલિકાની ચૂંટણીઓ ના હવે પડઘમ વાગી રહ્યા છે ત્યારે હાલમાં આ સમગ્ર મુદ્દો ઊંઝા નગરમાં 'ટોક ઓફ ધી ટાઉન' બન્યો છે.