ફેમ ઇન્ડિયા મેગેઝીન અને એશિયા પોસ્ટ એજન્સીનો સંયુક્ત સર્વે : સી.આર.પાટીલ દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ
સંસદીય ક્ષેત્ર થી સંસદ સુધી જનસેવા, સમાજસેવા ,જનજાગૃતિ તેમજ લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત કરવાના પ્રયાસ જેવા માપદંડોને આધારે સર્વે કરવામાં આવ્યો હતો જેમાં સી.આર.પાટીલ દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે ઉભરી આવ્યા છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સુરત નવસારીના સાંસદ એવા ચંદ્રકાંત આર પાટીલ એટલે કે સી આર પાટીલ ની દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે પસંદગી થઇ હોવાના અહેવાલોથી તેમના સમર્થકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.
સંસદીય ક્ષેત્ર થી સંસદ સુધી જનસેવા, સમાજસેવા ,જનજાગૃતિ તેમજ લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત કરવાના પ્રયાસ જેવા માપદંડોને આધારે સર્વે કરવામાં આવ્યો હતો જેમાં સી.આર.પાટીલ દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે ઉભરી આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફેમ ઈન્ડિયા મેગેઝીન અને એશિયા પોસ્ટ એજન્સીના સંયુક્ત સર્વેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સુરત નવસારીના સાંસદ સી.આર.પાટીલ ની દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે પસંદગી થઈ છે. તેઓ દેશના તમામ સાંસદો માં સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે ટોચના ક્રમે રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સી આર પાટીલ છેલ્લા ઘણા સમયથી સુરત નવસારીના સાંસદ તરીકે કેન્દ્રમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના મહત્વના પ્રાણ પ્રશ્નોને ઉકેલવામાં પણ તેમની ભૂમિકા ખુબ જ અગ્રેસર રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલને જવાબદારી સોંપી સૌને ચોંકાવી દીધા હતા. અત્રે નોંધનીય છે કે સીઆર પાટીલે પ્રમુખ પદનો કાર્યભાર સંભાળતાની સાથે જ ગુજરાતની 2022 ની ચૂંટણીમાં 182 સીટો જીતવાનો લક્ષાંક નિર્ધારિત કર્યો હતો અને આ લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે તેમણે પેજ પ્રમુખ બનાવવાની કામગીરી ખૂબ જ અસરકારક રીતે ઝડપી બનાવી છે.