ઊંઝા : નગર પાલિકામાં સત્તા બચાવવા છેવટે ભાજપ કામદાર પેનલ ને શરણે !
છેવટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જિલ્લા પ્રમુખ રાજગોર અને ધારાસભ્ય કે કે પટેલે રાજકીય પ્રતિષ્ઠા સાચવવા કામદાર ને શરણે જવું પડ્યું !
કામદાર પેનલ ના સભ્યો ને ભાજપે આવકારવા પડ્યા
ઊંઝાના સ્થાનિક રાજકારણમાં ધમા મિલનની કામદાર પેનલ સાબિત થઈ કિંગ મેકર !
નગરજનોમાં તરેહ - તરેહ ની ચર્ચાઓ...
ગઈકાલ સુધી ન.પા. ના જે નેતાઓ એકબીજાની સામસામે હતા તેઓ આજે એકબીજાની સાથે બેસશે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝા નગરપાલિકાની પ્રમુખ પદની ચૂંટણીમાં એક નવો વળાંક સામે આવ્યો છે.જેમાં ભાજપે પોતાની નગરપાલિકામાં સત્તા બચાવવા માટે છેવટે કામદાર પેનલ ને શરણે જવું પડ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજગોર અને ધારાસભ્ય કે કે પટેલ પોતાની રાજકીય પ્રતિષ્ઠા સાચવવા માટે છેવટે કામદાર પેનલ ને શરણે ગયા છે અને સત્તા બચાવવામાં સફળ રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે ભાજપના 20 નગર સેવકો પૈકી 6 નગર સેવકો નારાજ હતા. જેને લઈને નગરપાલિકામાં પ્રમુખ પદ ભાજપ જાળવી શકે તેવી સ્થિતિ ન હતી અને સત્તા કામદાર પેનલના હાથમાં સરકી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા છેવટે ભાજપના નેતાઓ રઘવાયા બન્યા હતા. જો કે થોડાક દિવસ પહેલા મુખ્યમંત્રીએ ઊંઝા ના ધારાસભ્ય નો ક્લાસ લીધો હતો જેને લઈને હવે નગરપાલિકામાં કોઈપણ ભોગે સત્તા બચાવવા સિવાય ભાજપ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. જેને લઇ ભાજપ એ કામદારની શરણાગતિ સ્વીકારીને પોતાની સત્તા સાચવી રાખી હોવાનું મનાય છે.
અત્રે નોંધનીય છે છે કે, ઊંઝા નગરપાલિકામાં અઢી વર્ષ સુધી ભાજપનું શાસન હતું અને ભાજપના શાસકો દ્વારા કામદાર પેનલના અનેક નેતાઓને એનકેન પ્રકારે હેરાન કરવામાં કોઈ પણ પ્રકારની કસર છોડી ન હતી. જોકે નારાજ છ નગર સેવકોને મનાવવા માટે પણ ભાજપ એ સામ-દામ દંડ ભેદની નીતિ અપનાવી હતી. તો વળી કામદાર પેનલ ઉપર પ્રેસર ઊભું કરવા માટે પણ ભાજપે અનેક અખતરા કર્યા હતા છતાં પણ કાંઈ ન ઉપજતા છેવટે ભાજપે કામદાર નો આશરો લેવાની જરૂર પડી હતી અને છેવટે કામદાર પેનલના નગરસેવકોને ભાજપના ખેસ પહેરાવીને ભાજપે નગરપાલિકામાં પોતાનું શાસન જાળવી રાખવામાં સફળતા મેળવી છે.ત્યારે ચર્ચાઓ એ ચાલી રહી છે કે ભાજપે કામદાર પેનલ ની કઈ શરતોને માન્ય રાખી હોઈ શકે છે ?