દિવા તળે અંધારું : સિદ્ધપુર ના કાકોશી બ્રિજ પર સ્ટ્રીટ લાઈટો ક્યારે નંખાશે ? ન.પા.પ્રમુખે શું કહ્યું ? જાણો
સમગ્ર ભારતભર ના માતૃ ભક્તોનું માતૃ તીર્થ સ્થળ છે સિદ્ધપુર
સિદ્ધપુરના ધારાસભ્ય છે ભાજપના બળવંતસિંહ રાજપુત
બલવંતસિંહ રાજપુત છે રાજ્ય સરકારમાં ઉદ્યોગ મંત્રી
ઉદ્યોગ મંત્રીના વિસ્તારમાં જ નગરજનો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે
ઉદ્યોગ મંત્રીની નગરજનો ના પ્રશ્નો ઉકેલવા માં નીરસતા હોવાની ચર્ચા
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ભારત ભરના હિન્દુઓનું એકમાત્ર માતૃ શ્રાદ્ધ કરવા માટેનું તીર્થ સ્થળ એટલે સિધ્ધપુર. સિદ્ધપુરના ધારાસભ્ય ભાજપના હોવા છતાં પણ સિદ્ધપુર વિકાસથી વંચિત રહ્યું છે એટલું જ નહીં સિદ્ધપુરના ધારાસભ્ય ઉદ્યોગ મંત્રી હોવા છતાં પણ સિદ્ધપુર નો જોઈએ તેટલો અપેક્ષિત વિકાસ થયો નથી. ક્યાંક ને ક્યાંક ધારાસભ્યની નગર પ્રત્યેની નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગી રહી છે.
છેલ્લા કેટલાય સમયથી સિદ્ધપુરના કાકોશી બ્રિજને લઈને અનેક વિઘ્નો ઊભા થયા હતા પરંતુ અંતે એકાદ વર્ષ પહેલા આ બ્રિજની કામગીરી પૂર્ણ થતા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને વાહન ચાલકો માટે આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
પરંતુ દુઃખદ બાબતે છે કે ઉદ્ઘાટન થયાને એક વર્ષ વીતી જવા છતાં પણ હજુ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી નથી. જેને પરિણામે વાહન ચાલકોએ અંધારામાં વાહનો ચલાવવા માટે મજબૂર બનવું પડે છે. એટલું જ નહીં અવારનવાર નાના મોટા અકસ્માતો થવાની પણ સંભાવનાને નકારી શકાતી નથી.
આ અંગે સિદ્ધપુર નગરપાલિકાના મહિલા પ્રમુખે ગોળ ગોળ જવાબ આપીને જણાવ્યું હતું કે આવનાર સમયમાં સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવશે પરંતુ ક્યારે આ સ્ટ્રીટ લાઇટો લાગશે તેને લઈને તેમને કોઈ સ્પષ્ટતા કરી ન હતી.