સુરત : ભાજપના ધો.5 પાસ ધારાસભ્યનો કોરોનાના દર્દીને ઇન્જેક્શન આપતો વિડીયો થયો વાયરલ, ઉડી મજાક

સુરત : ભાજપના ધો.5 પાસ ધારાસભ્યનો કોરોનાના દર્દીને ઇન્જેક્શન આપતો વિડીયો થયો વાયરલ, ઉડી મજાક

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સુરતના ભાજપના કામરેજના ધારાસભ્યએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ધારાસભ્ય ની કામગીરી સામે હવે અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. સુરતના કામરેજ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સરથાણા વિસ્તારમાં ભાજપના નેતાઓ દ્વારા આઇસોલેશ સેન્ટર છેલ્લા ચાર-પાંચ દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા દર્દીને પોતે રેમડેસિવિર ઇન્જેક્શન આપતા વીડિયોમાં દેખાયા હતા. એક ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળી નથી. પોતે જાતે ઇન્જેક્શન દર્દીને આપી રહ્યા છે ત્યાં તમામ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત હોવા છતાં પણ તેમણે પોતાની મનમાની કરી હોય તેવું લાગી રહ્યું છે.

વીડિયો પ્રમાણે, જ્યારે વી.ડી. ઝાલાવાડિયા ઇન્જેક્શન સલાઈનમાં નાખે છે. ત્યારે તેમની આસપાસના તેમના સમર્થકો જે પ્રકારે હસતા ઉભા રહ્યા છે તે જોતા એવું લાગે છે કે જાણે તેમના માટે આ તમામ પ્રક્રિયા મજાકના ભાગ સમાન છે. એક ધારાસભ્ય તરીકે હસતા હસતા જાણે મજાક ઉડાવતા હોય તેમ રેમડેસિવિર જેવા ઇન્જેક્શન દર્દીને આપવું એ કેટલું જોખમી છે. તેની જાણે તેમને કોઈ જ પડી નથી એ પ્રકારનું વર્તન તેમણે કહ્યું છે.