સુરત : કોઝ વે પર અકસ્માતને આમંત્રણ આપતા વાહનોના આડેધડ પાર્કિંગથી ચાલકોમાં રોષ, તંત્ર મૌન

સુરત : કોઝ વે પર અકસ્માતને આમંત્રણ આપતા વાહનોના આડેધડ પાર્કિંગથી ચાલકોમાં રોષ, તંત્ર મૌન

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા ) :  સુરતમાં કોઝ વે એ કતારગામ અને રાંદેર અડાજણ ને જોડતો મુખ્ય માર્ગ છે. અહીં દિવસ દરમિયાન હજારો ની સંખ્યા માં નાના-મોટા વાહનોની અવર-જવર રહેતી હોય છે. એમાંય ખાસ કરીને વહેલી સવારે શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ કે નોકરી કે ઓફિસમાં જતા વાહનચાલકોની સંખ્યા વધુ પ્રમાણમાં રહેતી હોય છે.

ત્યારે વહેલી સવારમાં અનેક લોકો કોઝવે પર આડેધડ વાહન પાર્કિંગ કરીને તાપી માતા માં ડૂબકીઓ લગાવતા હોય છે. જોકે આડેધડ વાહન પાર્કિંગને પરિણામે રસ્તો સાંકડો બની જાય છે, જેથી અવર જવર કરતા વાહનોને અડચણ ઊભી થાય છે. ક્યાંક નાના-મોટા અકસ્માતની સંભાવના ને પણ નકારી શકાતી નથી. અત્રે નોંધનીય છે કે કોઝવે ઉપર બે થી ત્રણ જગ્યાએ એવા જાહેર સૂચના ના બોર્ડ મૂકવામાં આવ્યા છે જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે નદીમાં કોઈએ સ્નાન કરવા માટે પડવું નહીં.

પરંતુ આજદિન સુધી બેરોકટોક પણે કોઝવે  ઉપર વાહનો પાર્ક કરીને સ્નાન કરનારાઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જે દર્શાવે છે કે તંત્ર ક્યાંકને ક્યાંક પાંગળું પુરવાર થઈ રહ્યું છે. જોકે આ અંગે મોર્નિંગ ન્યુઝ ફોકસ પાસે  કોઝવે ના લાઈવ દ્રશ્યો આવતા સુરતના મેયર અને પાલિકા કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોઝવે ઉપર જે વાહનો પાર્ક કરવામાં આવે છે એ વાહનો જો કોઝવે ની બહાર પાર્ક કરવામાં આવે તો કોઈ ટ્રાફિક થવાનો પ્રશ્ન રહેતો નથી.જોકે તેની બંને બાજુએ સિક્યુરિટી ગાર્ડ હોય છે પરંતુ છતાં પણ લોકો બેરોકટોક પણે વાહનો પાર્ક કરે છે ત્યારે આવા આડેધડ વાહન પાર્કિંગ કરનારાઓ સામે લાલ આંખ કરવાની જરૂર છે.