ગુજરાતના ટેબ્લોને મળ્યો કચ્છી લોકગાયિકાનો કંઠ

ગુજરાતના ટેબ્લોને મળ્યો કચ્છી લોકગાયિકાનો કંઠ

Mnf network:  પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગુજરાત રાજ્ય દ્વારા તા.26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને બેનમૂન ટેબ્લોનું નવી દિલ્હીના `કર્તવ્યપથ' પરથી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે `ધોરડો : ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ'ના વિષય આધારિત રજુ થયેલો ગુજરાતનો ટેબ્લો તેની સંખ્યાબંધ વિશેષતાઓના લીધે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો.

ગરબા સાથે હલકદાર અવાજમાં રજુ થયેલા 50 સેકંડના કચ્છી ગીતને કંઠ આપવામાં અને તેને સ્વરબધ્ધ કરવામાં કચ્છના જ જાણીતા લોકગાયિકા દિવાળીબેન ડાંગરનું અનેરું યોગદાન રહ્યું છે. દિવાળીબેન ડાંગર મૂળે ભુજ તાલુકાના નાડાપા ગામના રહેવાસી છે અને સ્થાનિક કલાકારોમાં દિવાળીબેન આહિરના નામે પ્રચલિત છે. આજથી 20 વર્ષ પૂર્વ સંગીતયાત્રાનો પ્રારંભ કરનારા દિવાળીબેનને સંગીત ગળથૂથીમાં પ્રાપ્ત થયું છે. તેમણે પ્રારંભિક તાલીમ તેમના મોટા બાપુજી ગોપાલબાપુ પાસેથી મેળવી છે.