ફરી મળીશું
નભ આજે સવારે રોજ કરતાં વહેલો ઊઠી ગયો. કારણ હતું આજનો દિવસ. દસ ફેબ્રુઆરી. આજના દિવસે એ વાયદો પૂરો કરવાનો સમય આવી ગયો હતો જે પચીસ વર્ષો પહેલાં ધરા સાથે અમલમાં મુકાયો હતો.ધરા, જે નભના જીવનનો પહેલો પ્રેમ હતો. કે એમ કહો કે આજે પણ છે. નભ જલદી તૈયાર થઈ ગયો. નક્કી થયેલા સમય મુજબ ત્યાં પહોંચવાનું હતું જ્યાં આ પ્રેમકહાની અધૂરી રહી ગઈ હતી.
નભની પત્ની મુગ્ધા રાબેતા મુજબ સવારે ઊઠીને રોજની જેમ જમવાનો ડબ્બો ભરી નભને ‘પ્રેમપૂર્વક’ વિદાય આપવા મથી રહી હતી. આજે સારો દેખાવા નભ સુઘડ કપડાંઓ એક પછી એક પહેરીને જોવા, જુવાન દેખાવા વાળમાં રંગ લગાવવો વગેરે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતાં રહેતાં તે પચીસ વર્ષો પહેલાંની દુનિયામાં ફરી એક વાર લટાર મારી આવ્યો.
અત્યારનો નભકુમાર શાહ ત્યારનો બાવીસ વર્ષનો તરવરિયો જુવાનિયો નભ હતો. કૉલેજના છેલ્લા વર્ષમાં પરિચયમાં આવેલી મીઠડી, ચુલબુલી, ખૂબસૂરત ધરા સાથે પહેલાં ઓળખાણ, પછી મૈત્રી અને પછી પ્રેમ થયાં. પ્રેમનો છોડ આગળ વધતાં પાંગરીને વૃક્ષ બન્યું. ત્યારે તેમને ક્યાં ખબર હતી કે એ પ્રેમનું વૃક્ષ એક વંટોળિયામાં ઊખડી જવાનું છે! બંને મધ્યમ વર્ગમાં ઊછેરલાં પ્રેમ પંખીડાઓ વચ્ચે ધનદોલતની એક ઊંડી ખાઈ સર્જાવા જઈ રહી હતી.
ધરાના પપ્પાને કિડનીની એક ગંભીર બીમારી આવી ગઈ હતી. એ બીમારીની સારવારરૂપે ડાયાલિસિસ માટે દર મહિને અમુક હજાર રૂપિયાની જરૂર હતી. આમ અચાનક આવી પડેલી આર્થિક મુસીબતમાં તેમના પૈસાદાર પાડોશી તેમની મદદે આવ્યા હતા અને બદલામાં તેમણે તેમના પુત્ર માટે નાનપણથી ગમતી ધરાનો હાથ માગ્યો. સામે મધ્યમવર્ગીય નભ એટલો ખમતીધર નહોતો કે શરૂ થઈ રહી કારકિર્દી સાથે પોતાના ઘરનો ખર્ચ તથા તેની વહાલી ધરાના પિતાની સારવારનો ખર્ચ પણ ઉઠાવી શકે. ધરા પણ નભની આ પરિસ્થિતિથી વાકેફ હતી.
આ ઉપરાંત પરિવારના સદસ્યો તથા નજીકનાં સગાં લોકોએ ધરાને પાડોશી પરિવારમાં સ્થાયી થઈ જવા માટે સમજાવવાનો દોર શરૂ કરી દીધો હતો. આમ ચારે બાજુથી આવી રહેલા દબાણ સામે અંતે ધરા ઝૂકી ગઈ અને પોતાના પ્રેમનું બલિદાન આપી દેવા માટે મજબૂર થઈ ગઈ. એ સાંજે પ્રિયદર્શિની પાર્ક, જે પ્રેમી જોડાંઓ માટેના એકાંતનું ધામ ગણાતો હતો ત્યાં નભ અને ધરાની એ આખરી મુલાકાત હતી.
એ સાંજે બંને એ પાર્કની બેન્ચ પર બેઠાં-બેઠાં હાથ પકડીને એકબીજા સામે ભીની આંખે જોઈ રહ્યાં હતાં. એક લાચાર મૌન બંને વચ્ચે પથરાયેલું હતું. ધરા એ ગાર્ડનમાંથી દેખાતી દૂર ડૂબતા સૂરજ અને ક્ષિતિજને તાકી રહેતાં બોલી હતી,
‘કેવું દૃશ્ય છેને? આપણી આંખોને એવો ભાસ થાય છે કે દૂર પેલી ક્ષિતિજે નભ (આકાશ) અને ધરા (ધરતી) બંનેનું મિલન થયું હશે. પણ વાસ્તવમાં એ આપણો એક ભ્રમ જ હોય છે.’
તેણે ઉમેર્યું, ‘શું આ જન્મમાં આપણું મિલન સાચે જ શક્ય નથી નભ?’
‘દુનિયા બહુ પ્રૅક્ટિકલ થઈ ગઈ છે ધરા. હવેના જમાનામાં દિલ તૂટે, પ્રેમ છૂટે આ બધું સામાન્ય બનતું ચાલ્યું છે. જોને! આપણું જ ઉદાહરણ લઈ લે. કાલથી તારી નવી દુનિયા હશે. પરણ્યા પછી નવો પરિવાર મળશે. આ બધામાં આ બિચારો નભ તો ક્યાંય ભુલાઈ જશે. સામે પક્ષે મારી સાથે પણ આવું જ કંઈક થશે. કારકિર્દી, પછી લગ્ન, પછી બાળકો, આ બધામાં કદાચ આપણો આ સાચો પ્રેમ ક્યાંય પાછલી પાટલીએ ધૂળ ખાતો હશે.’ નભ વાતાવરણ હલકું કરવા ફીકું હસતાં બોલી ગયો.
‘તારું તું જાણે નભ. હું ફક્ત મારી મજબૂરી અને જવાબદારીઓ માટે આપણા સંબંધથી પાછળ હટી રહી છું. રહી વાત આપણા પ્રેમની, તો હું ભલે બીજા કોઈની થવા જઈ રહી હોઉં પણ તારા માટેનો પ્રેમ આજીવન મારા મનમાં અકબંધ રહેશે.’ ધરા ભીની આંખે બોલતી ગઈ.
‘અત્યારે તું આપણા પ્રેમના કેફમાં છે માટે આવું કહી રહી છે. આજથી એકાદ વર્ષ પછી આ પ્રેમ ક્યાંય અદૃશ્ય થઈ ગયો હશે!’ નભ બોલી ગયો.
‘બોલ મારો પ્રેમ તારા માટે આગળ પણ એવો જ રહેશે એ સાબિત કેવી રીતે કરી શકું?’ ધરા મક્કમ સ્વરે બોલી.
‘ચાલ આ ડૂબતી સાંજે એક વચન આપીએ એકબીજાને. આજથી પચીસ વર્ષો પછી દસમી ફેબ્રુઆરીએ આજના દિવસે ફરી મળીશું. અને પાછાં એક થવાની ગોઠવણ કરીશું. જોઈએ આપણે બંને, કેટલો સાચવી શકીએ છીએ આપણે આપણા પ્રેમને. બોલ આપીશ વચન આજે? એક એવું વચન કે આપણો આ પ્રેમ અકબંધ રાખીશું, ભલે કોઈને પણ પરણીએ! એ લગ્ન અને તેના પ્રત્યેની આપણી જવાબદારીઓ તન, મન, ધનથી નિભાવીશું. જ્યારે આપણે ફરી મળીએ ત્યાં સુધીમાં આપણી એ ફરજો, જે આજે આપણને એક થવામાં રોકી રહી છે એ બધી લગભગ પૂર્ણ થવાના આરે આવીને ઊભી હશે. એટલે ત્યારે આપણને કોઈ બંધનો નડશે નહીં. શું કહે છે? કરવું છે આ ઍડ્વેન્ચર?’ નભ ખબર નહીં કેમ પણ આવું ગાંડા જેવું બોલી ગયો.
‘તારી આવી હટકે વાતો પર તો ફિદા થઈ હતી. ચાલ કરીએ કંઈક આવું. પડીએ છૂટાં, ફરી એક થવા માટે. આજથી પચીસ વર્ષો પછી આજની તારીખે, અહીં જ આવીને જેમ છૂટાં પડ્યાં હતાં તેમ જ પાછાં ભેગાં થઈશું. હંમેશ માટે.’ ધરા પણ એક શ્વાસે બોલી ગઈ.
બંને છેલ્લી વાર એકબીજાને કચકચાવીને ભેટ્યાં અને આમ એ બંને વચનબદ્ધ થઈને છૂટાં પડ્યાં.
ધરાએ પાડોશમાં રહેતા અને પિતાની બીમારી માટે આર્થિક મદદે આવેલા પરિવારના એકના એક પુત્ર સાગર સાથે પરણીને સંસાર શરૂ કર્યો. આ બાજુ નભે પણ એક સ્થિર નોકરી શોધી અને પોતાની નાતની સમજુ અને લાગણીશીલ છોકરી મુગ્ધા સાથે લગ્ન કર્યાં અને પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધતો ચાલ્યો.
આ પચીસ વર્ષો દરમિયાન મુંબઈનાં અલગ-અલગ પરાંમાં રહેતા બંને પ્રેમીઓનો ક્યારેય ભેટો ન થયો. ત્યારે મોબાઇલ ફોનનું ચલણ શરૂ થયું નહોતું તથા મોબાઇલ આવી ગયા બાદ પણ કોઈ પણ જાતના સોશ્યલ મીડિયામાં બંનેએ એકબીજાને ક્યારેય શોધવાના પ્રયાસો ન કર્યા. આજે સાંજે બંને નક્કી કર્યા મુજબ એ જ પ્રિયદર્શિની પાર્કમાં એકબીજાને મળી રહ્યાં હતાં.
સાંજે નભ ઑફિસમાંથી થોડો વહેલો પોતાની કારમાં નીકળી પડ્યો ધરાને મળવા. પ્રિયદર્શિની પાર્ક ઑફિસથી લગભગ ચાલીસેક મિનિટની દૂરી પર હતો. મનમાં ઊઠી રહેલા અસંખ્ય પ્રશ્નોના મનમાં જ જવાબ આપતો આપતો તે પ્રિયદર્શિની પાર્કમાં પહોંચ્યો અને જઈને એક બેન્ચ પર બેસી ગયો. આજનો ઘાસની લૉન અને એના પર ઠેર ઠેર નવી મુકાયેલી નવી બેન્ચો મઢેલો પાર્ક. પચીસ વર્ષો પહેલાંના સાદું કુદરતી ઘાસ પથરાયેલા પાર્ક કરતાં વધુ સુંદર લાગી રહ્યો હતો. દૂરની ખૂણેખાંચરે આવેલી બેન્ચો પર એકબીજાની સોડમાં લપાઈને બેઠેલાં પ્રેમ પંખીડાઓ જ દેખાઈ રહ્યાં હતાં. નભ મનોમન બબડ્યો, ‘સારું છે આવા પાર્ક બનેલા છે. આવા ભીડભાડથી ઊભરાતા મહાનગરમાં અને સંયુક્ત પરિવારમાં સાંકડી રૂમમાં પોતાની લગભગ આખી જિંદગી કાઢી નાખતા મધ્યમ વર્ગીય જોડાંઓ પાસે એકાંત માણવા માટે આવા પાર્ક સ્વર્ગ સમાન હોય છે.’
થોડી વાર બેઠા પછી નભને લાગ્યું, કદાચ ધરા આજનો દિવસ જ ભૂલી ગઈ હશે. કદાચ એ નહીં આવે.
લગભગ એક કલાક રાહ જોયા બાદ નભ ઊભો થઈ પાછો વળવા જતો હતો ત્યાં દૂરથી એક પડછાયો આવતો દેખાયો. નભે એ પડછાયો નજીક આવવા દીધો અને નજીક આવતાં જ ધરાને ઓળખી કાઢી.
પહેલાં કરતાં જાજરમાન, આંખો પર ચઢાવેલા ગૉગલ્સ, અનારકલી ડ્રેસમાં સજ્જ, લાંબા કાળા પણ રંગાયેલા લાગતા વાળ ધરાવતી ધરા આજે પણ એટલી જ સુંદર લાગી રહી હતી જેટલી પચીસ વર્ષો પહેલાં હતી.
ધરાએ પણ દૂરથી જ નભને ઓળખી લીધો હતો અને ગૉગલ્સ ઉતારતાં જ નભને વર્ષો પછી જોઈ રહેલી આંખોમાં ઝળઝળિયાં અને ચહેરા પર એક મુસ્કાન સાથે ધરા નભની એકદમ સામે આવીને ઊભી ગઈ.
બંને અસમંજસમાં મુકાયાં કે શું કરવું? એકબીજાને ગળે મળવું કે દૂરથી જ ‘કેમ છે’ એમ પૂછવું?
અંતે ધરાએ હાથ લાંબાવ્યો અને નભે પણ હાથમાં હાથ મૂકતાં બંનેએ શેક હૅન્ડ્સ કર્યા.
‘મને લાગ્યું તું ભૂલી ગઈ હોઈશ આજનો દિવસ.’ નભ હસતાં બોલ્યો.
‘દર વર્ષે દસમી ફેબ્રુઆરી મનમાં યાદ કરતી અને ઊલટી ગણતરી કરીને મનમાં બોલતી કે હવે આટલાં બાકી રહ્યાં.’ ધરાએ પણ નભની આંખોમાં આંખો નાખીને કહ્યું. પછી તો બંને વચ્ચે ઘર સંસારની ઘણી વાતો થઈ.
‘તો? પછી કેટલાં બાળકો છે તારે?’ નભે પૂછ્યું.
‘એક દીકરો છે." ધરાએ જવાબ આપ્યો અને સામે પૂછી પણ લીધું, ‘તારે કેટલાં બાળકો?’
‘મારે એક દીકરી છે.’ નભ બોલ્યો અને આગળ પૂછ્યું, ‘નામ નહીં પૂછે એનું?’
ધરાએ યુવાનીવાળી મસ્તીના સૂરમાં સામે પૂછ્યું, ‘ન હોય! એનું નામ શું તેં ધરા રાખ્યું છે?’
નભ ફક્ત હસ્યો અને પાંપણ ઝુકાવીને હકારમાં જવાબ આપ્યો.
‘તો કંઈ તીર નથી માર્યું મોટું. મારા દીકરાનું નામ હજી તેં જાણ્યું ક્યાં છે?’ હવે ધરાનો વારો હતો.
‘એટલે તારા દીકરાનું નામ તેં નભ રાખ્યું છે?’ નભે આશ્ચર્ય સાથે પૂછ્યું અને જવાબમાં ધરાએ હસતા ચહેરે ફક્ત હકારમાં માથું હલાવ્યું.
‘એટલે આપણે એકબીજાથી દૂર હતા જ નહીં એમ!’ નભ આગવા અંદાજથી બોલ્યો.
‘તો હવે આગળ શું વિચાર્યું છે? શું કરવું છે?’ નભે વાતો-વાતોમાં ધરાને પૂછી લીધું. અને સામે ધરા પણ એ જ સવાલ નભને કરતાં બોલી,
‘તેં શું વિચાર્યું છે? એ જ કરીશું. વર્ષો પહેલાં આ પ્રેમકહાણીની અધવચ્ચેથી મેં જ પીછેહઠ કરી હતી તેથી હવે તું જે નિર્ણય લઈશ એ માન્ય રહેશે.’ ધરા એક શ્વાસે બોલી ગઈ.
નભ ક્ષણ વાર થોભીને બોલ્યો, ‘સવારે ઘરેથી એમ જ વિચારીને નીકળ્યો હતો કે આજે મળીને નક્કી કરી લઈશું કે ચાલ હવે બધાં બંધનો તોડીને એક થઈ જઈએ. હવે આપણે આપણા માટે જીવીએ. જ્યાંથી આ કહાણી રોકાઈ હતી ત્યાંથી જ આગળ વધીએ. પણ જ્યારે ઘરેથી નીકળતો હતો ત્યારે રસોડામાં કંઈક કામ કરતી પત્ની મુગ્ધા દેખાઈ. તેને જોતાં જ મગજમાં વીજળીક વિચાર આવ્યો કે આજે આપણે ફરી જોડાઈએ તો ઘણાં મન દુખશે અને કદાચ એવાં જે આપણી સાથે વર્ષોથી જોડાઈ ગયાં છે. મને તારી સાથે આજે પણ જીવન વિતાવવાની ઇચ્છા છે પણ કોઈને દુખી કરીને નહીં.’
આ બધું નભ બોલતો ગયો અને ધરા જેમ પહેલાં નભની આંખોમાં ખોવાઈને સાંભળતી હતી એમ સાંભળી રહી.
‘તારા માટે પ્રેમ તો પહેલેથી હતો અને સદાય રહેશે પણ આજથી તારા માટે અહોભાવ પણ જન્મ્યો છે. હું પણ થોડા દિવસો પહેલાં એ જ દ્વિધામાં હતી કે આપણે આજે જો મળ્યાં તો એક તો થઈ જઈશું પણ જે સંસાર પાથરી ચૂક્યાં છીએ એને સમેટવા જતાં આપણાથી જોડાયેલા ઘણા સંબંધોને વગર વાંકે એ સજા મળશે જેની તેમણે ભૂલ પણ નથી કરી. પણ તેં તારો આ વિચાર જણાવીને મારી ગૂંચવણ ઉકેલી નાખી. હવે હું હળવી ફૂલ જેવી થઈ ગઈ.’ ધરા પણ એકસાથે બોલી ગઈ.
બંને થોડી વાર વાતો કર્યા બાદ ત્યાંથી ઊઠ્યાં અને એ ગાર્ડનના ગેટ સુધી સાથે ચાલતાં થયાં. ગેટ પાસે આવતાં જાણે અંતિમ શબ્દો બોલતો હોય એમ નભ બોલ્યો, ‘એ વાતનો વસવસો હંમેશાં રહેશે કે સાચો પ્રેમ હોવા છતાં પણ આ જન્મમાં નભ અને ધરા એક ન થઈ શક્યાં.’
“મને પણ.” ધરા સૂર પરોવતાં બોલી.
પણ કદાચ કુદરતે કંઈક તો ગોઠવી રાખ્યું હતું એમ બંને ગેટથી બહાર નીકળવા જતાં જ હતાં ત્યાં નભના પગ અચાનક રોકાઈ ગયા. ચારેક ડગલાં પાછળ લેતાં ગાર્ડનની જમણી બાજુ એક ખૂણામાં નભને એક પરિચિત આકૃતિ દેખાઈ. નભે આંખોને થોડી ઝીણી કરીને ધ્યાનથી જોયું અને જોતાં જ તેનો ચહેરો તંગ થઈ ગયો. ધરાએ પણ નભના હાવભાવ બદલાવાનું કારણ પૂછ્યું ત્યારે નભે પોતાની મુઠ્ઠીઓ વાળતાં ગુસ્સામાં દાંત કચકચાવતાં કહ્યું,
‘સા.. જો તો.. કેવો ચીપકીને બેઠો છે એને.’
‘શું કહે છે તું? કોણ છે તે? આમ ગુસ્સો કેમ કરે છે?’ ધરાને કંઈ સમજ ન પડતાં પૂછવા લાગી અને નભે ત્યાં આંગળી ચીંધતાં કહ્યું, ‘એ ઝાડની આડશમાં આવેલી બેન્ચ પર જે લાલ રંગનું ટૉપ અને જીન્સ પહેરીને પેલા મવાલી જેવા છોકરા સાથે બેઠી છે એ છોકરી મારી દીકરી છે. ધરા.’
ધરાએ એ દિશામાં ધ્યાનથી જોયું તો એ બંને એકબીજાને લપાઈને બેઠાં હતાં. નભની દીકરી ધરાએ છોકરાના ખભા પર માથું ઢાળેલું હતું અને છોકરો તેના ગાલ પર આવીને રમતી લટોને સહેલાવીને દૂર કરવાની કોશિશ કરી રહ્યો હતો.
આ બધું નિહાળીને સિનિયર ધરાએ રમૂજી સ્વરમાં નભને કહ્યું,
‘હા યાર. દીકરી તો તારી દેખાવડી છે! પણ છોકરો પણ કંઈ મવાલી જેવો નથી લાગતો. મને તો ગમ્યો.’
‘આવવા દે ઘરે. હું તેની ખબર લઈ લઈશ. અને શું કહે છે તું યાર? એ છોકરામાં ગમવા જેવું શું છે?’ નભ ત્યાં હજી જોતાં-જોતાં બોલ્યો.
‘ગમવાનું કારણ છે મિસ્ટર નભકુમાર. કેમ કે તમારી દીકરી ધરાની બાજુમાં બેઠેલો એ છોકરો મારો દીકરો નભ છે.’ ધરાએ જાણે વિસ્ફોટ કર્યો હોય તેમ બોલી.
સિનિયર નભ હબક ખાઈ ગયો અને ધરાને ફક્ત જોઈ રહ્યો. ધરા આગળ બોલતી ગઈ.
‘અને હા, ખબરદાર છે જો મારી થવાવાળી વહુને કંઈ પણ કહ્યું છે તો ઘરે જઈને. અમે સહપરિવાર આવીશું મારા નભ માટે તારી ધરાનો હાથ માગવા. આપીશને તારી ધરા અમને?’
બેચાર ક્ષણો પછી જાણે નભને કળ વળી હોય તેમ સ્વસ્થ થતાં બોલ્યો,
‘એ તો ડિપેન્ડ કરે છે એની સાસુ કેવી છે.’
બંને જણ હસી પડ્યાં અને તેમનાં સંતાનોને પ્રેમગોષ્ઠિમાં રચેલાં રહેવા દઈ ત્યાંથી ચૂપચાપ નીકળી ગયાં.
હવે નભને કોઈ વસવસો નહોતો. કુદરતે કોઈ ને કોઈ રીતે નભ અને ધરાને એક કરી આપ્યાં હતાં.
ગાર્ડનમાંથી નીકળતી વખતે બંનેએ એક નજર ત્યાં કરી જ્યાં તેમનાં સંતાનો બેઠાં હતાં. અને જોયું કે તેમની પાછળ ડૂબતી સાંજે દૂર દેખાઈ રહેલી ક્ષિતિજમાં નભ (આકાશ) અને ધરા (ધરતી)નું મિલન થઈ રહ્યું હતું.