Exclusive: નવ નિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ની ભૂતકાળની રાજકીય સફર કેવી છે ? 2027 માં કયા પડકારો રહેશે ?

Exclusive: નવ નિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ની ભૂતકાળની રાજકીય સફર કેવી છે ? 2027 માં કયા પડકારો રહેશે ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : ગુજરાતમાં ભાજપ સરકારની કામગીરી સામે લોકોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ભાજપ વિરુદ્ધ જનમાનસમાં રહેલી અસંતોષની લહેરનો લાભ લઇ પોતાની પાર્ટીનું સંગઠન મજબૂત બનાવી રહ્યા છે.

આ રાજકીય પરિસ્થિતિ વચ્ચે એવું અનુમાન હતું કે સી.આર. પાટીલ બાદ ભાજપ તરફથી કોઈ કદાવર અને પ્રભાવશાળી ચહેરાને પ્રદેશ પ્રમુખ તરીકે આગળ લાવવામાં આવશે. પરંતુ ભાજપે પ્રદેશ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા દ્વારા જે રીતે નિયુક્તિ કરી, તે અનેક કાર્યકરો માટે રાજકીય ડ્રામા સમાન લાગી. પરિણામે કાર્યકરોમાં રહેલો ઉત્સાહ ક્યાંક ને ક્યાંક ઠંડો પડી ગયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

સી.આર. પાટીલના નેતૃત્વ હેઠળ ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 156 સીટોનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. તેમના વિદાય સમયે તેમણે નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માને આ રેકોર્ડ તોડવાની હાકલ કરી હતી. હવે સવાલ એ છે કે – શું જગદીશ વિશ્વકર્મા ખરેખર આ રેકોર્ડ તોડી શકશે? તેનો જવાબ તો આવનાર સમય જ આપશે.

વિશ્વકર્મા અંગેના વિવાદો અને ભૂતકાળના સંદર્ભો

ભલે જગદીશ વિશ્વકર્માને સ્વચ્છ છબી અને બિનવિવાદી વ્યક્તિત્વ ધરાવતા નેતા તરીકે ઓળખવામાં આવે, પરંતુ તેમના રાજકીય પ્રવાસ દરમિયાન કેટલીક એવી ઘટનાઓ પણ જોડાયેલી છે, જેઓ ચર્ચાનો વિષય રહી છે.

 ડિસેમ્બર 2020ના સમાચાર અનુસાર, તેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ હતા ત્યારે કાર્યકરોમાં નારાજગી હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. એક અગ્રણી ગુજરાતી અખબાર મુજબ,વિશ્વકર્મા ઉપર પોતાના નજીકના કાર્યકરોને પ્રાથમિકતા આપવાનો અને વ્યક્તિગત લાભ માટે ટિકિટ વિતરણમાં હસ્તક્ષેપ કરવાનો આક્ષેપ થયો હતો.

 બીજી બાજુ, એક અગ્રણી અંગ્રેજી અખબારની વેબસાઈટ પર પ્રસિદ્ધ થયેલ સમાચારમાં જણાવાયું હતું કે, વિધાનસભામાં વિશ્વકર્માએ કરેલી ટિપ્પણીને લઈને ચોક્કસ સમુદાય વિરુદ્ધ માનસિકતા રાખવાનો આક્ષેપ થયો હતો. તેમણે કહ્યું હતું કે, “અમદાવાદ, દ્વારકા અને સોમનાથ વિસ્તારમાં સરકારી જમીન પર એક જ સમુદાયનું અતિક્રમણ થયું છે.”કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ નિવેદનને વાંધાજનક ગણાવ્યું હતું અને વિરોધ નોંધાવ્યો હતો.

 સહકાર મંત્રી તરીકેના વિશ્વકર્માના કાર્યકાળ દરમિયાન સાબર ડેરીના ભાવફેર વિવાદને લઈને ભારે વિરોધ જોવા મળ્યો હતો, જેમાં એક યુવાનનું દુઃખદ મોત પણ થયું હતું. આ ઘટના તે સમયના રાજકીય માહોલમાં ભારે ચર્ચાસ્પદ બની હતી.

વિશ્વકર્મા માટે સૌથી મોટો પડકાર શું રહેશે ? ચર્ચાતો સવાલ

જગદીશ વિશ્વકર્મા માટે સૌથી મોટો પડકાર છે કે, ભાજપના આંતરિક અસંતોષને સંતુલિત રાખવો. કારણ કે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યાના ગણતરીના કલાકોમાં જ ભાજપમાં અનેક ઠેકાણે કોઈને કોઈ બાબતમાં અંદરો અંદર અસંતોષની ચિનગારીઓ ઉઠી છે. કાર્યકરોમાં ફરી ઉત્સાહ જગાવવો અને લોકલાડીલા નેતૃત્વની છબી ઉભી કરવી.રાજ્યમાં વધતી રાજકીય હલચલ વચ્ચે તેમની પરીક્ષા હવે શરૂ થઈ ચૂકી છે.