ઊંઝા : એક કથા મંચ પરથી થયો હતો પૂર્વ ધારાસભ્ય સ્વ. ડો. આશાબેન પટેલના જીવનનો ' રાજકીય પરિવર્તન ' નો સંકેત

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) ગુજરાતના એક સમયના સૌથી શ્રેષ્ઠ મહિલા ધારાસભ્ય નો એવોર્ડ પ્રાપ્ત કરનાર ઊંઝા ના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ આજે આ દુનિયામાં હયાત તો નથી પરંતુ તેમના કાર્યોની સુવાસ એટલે દૂર દૂર સુધી ફેલાયેલી છે કે આજે પણ તેમણે તેમના કાર્યકાળમાં કરેલા વિકાસ કાર્યોને લઈને લોકો ના સ્મૃતિ પટલ પર અવિરત એમની યાદ તાજી થતી રહે છે. આશાબેન પટેલે પોતાના ધારાસભ્ય તરીકેના કાર્યકાળમાં ખૂબ જ ટૂંકા સમયમાં ઊંઝા નો હરણફાળ વિકાસ કર્યો હતો. ઊંઝા ને ' લિટલ બ્રિજ ' સીટી બનાવનાર આશાબેન પટેલે આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સરકારી સાયન્સ કોલેજ નું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું હતું. કોરોના કામમાં પોતાના જીવની પરવા કર્યા વિના સતત તેઓ લોકોની પડખે ઊભા રહ્યા હતા અને લોક સેવા કરતા કરતા જ તેમણે એકાએક આ ફાની દુનિયાને અલવિદા કહી દીધી હતી.
આશાબેન પટેલ 2017માં ઊંઝા ના ભાજપના તત્કાલીન ધારાસભ્ય નારાયણભાઈ પટેલ ને હરાવીને કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી જીત્યાં હતાં. ધારાસભ્ય બન્યા બાદ તેમની કાર્યદક્ષતા અને વહીવટી કુશળતાને કારણે રાજકીય ક્ષેત્રમાં તેમનો પ્રભાવ દિન પ્રતિદિન વધી રહ્યો હતો. વિરોધ પક્ષમાં રહીને તેમણે જન સેવા માટે સરકારમાં ધારદાર રજૂઆતો કરીને તેના નક્કર પરિણામો પણ મેળવ્યા હતા. પરંતુ કોંગ્રેસ દ્વારા જ તેમને સપોર્ટ નહીં મળતા છેવટે તેમણે કોંગ્રેસને અલવિદા કહી દીધી હતી. અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારબાદ ભાજપના સિમ્બોલ ઉપરથી ચૂંટણી લડીને તેઓ સતત બીજી વખત વિજેતા બન્યાં હતાં.
કોંગ્રેસના સિમ્બોલ ઉપરથી 2017માં જ્યારે આશાબેન પટેલ ચૂંટણી જીત્યા ત્યારે કદાચ તેમને પણ ખબર નહીં હોય કે તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાશે. કોંગ્રેસના ધારાસભ્ય ના કાર્યકાળ દરમિયાન તેમણે ગામડાઓમાં સતત પોતાનો પ્રવાસ ચાલુ રાખ્યો હતો. ત્યારે એક દિવસ ઊંઝા તાલુકાના એક ગામમાં યોજાયેલી પ્રજ્ઞા પુરાણ કથામાં તેમણે હાજરી આપી હતી. તે દરમિયાન કથાકાર દ્વારા અનાયાસે જ આશાબેન પટેલ માટે ' ભાજપના ધારાસભ્ય ' એવો ઉલ્લેખ થયો હતો. ત્યારબાદ કથાકાર નું ધ્યાન દોરતા છેવટે કથાકાર એ જણાવ્યું હતું કે કદાચ મારા દ્વારા બોલાયેલા આ શબ્દો પાછળ સૂક્ષ્મ શક્તિનો કોઈ સંકેત પણ હોઈ શકે છે.
આમ આ કથા પ્રસંગ ના થોડાક સમય બાદ આશાબેન ના રાજકીય જીવનમાં એક નવો વળાંક આવ્યો અને તેમણે કોંગ્રેસ સાથે કારણોસર છેડો ફાડી નાખ્યો અને છેવટે તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપ માંથી ચૂંટણી પણ જીત્યા. ચૂંટણી જીત્યા બાદ તેમની લોક સેવાની કામગીરી બમણા વેગથી થવા લાગી અને ગુજરાતના રાજકારણમાં તેઓ એક સશક્ત મહિલા તરીકે ઉભરી આવ્યા હતા. એટલે કદાચ આશાબેન ના જીવનમાં જે રાજકીય પરિવર્તન આવવાનું હતું એનો સંકેત આ કથા મંચ પરથી જ મળી ગયો હોય એમ માનીએ તો પણ અતિશયોક્તિ ભર્યું નથી.